ગાંધીનગરનાં છાલા પાસે દારૃ ભરેલી કાર રેઢિયાળ મૂકીને બુટલેગર ભાગવામાં સફળ નિવડ્યો, પોલીસે 3.13 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

image-148
copy image

ગાંધીનગરનાં ચંદ્રાલા ગામના નવા બનતાં બ્રીજ પાસેથી પૂરપાટ પસાર થતી દારૂ ભરેલી ઈકો કારને પકડી પાડવા ચીલોડા પોલીસે છાલા સુધી પીછો કર્યો હતો. જો કે છાલા પાસે કારને રેઢિયાળ મૂકીને ભાગેલા બુટલેગરને ઝડપવા પોલીસે દોડ પકડની રેસ પણ લગાવી હતી. પરંતુ બુટલેગર ખેતરોમાં થઈને ભાગી જવામાં સફળ નિવડયો હતો. ત્યારપછી પોલીસે કારની તલાશી લઈ ગુપ્ત ખાના માંથી 119 નંગ દારૃની બોટલો સહિત 3.13 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે સાંજના સમયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન ચંદ્રાલા ગામના નવા બનતાં બ્રીજ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઈકો કાર પૂરપાટે પસાર થઈ હતી.

ગાડીના ચાલકને રોકવા માટે ઈશારો કર્યો પરંતુ ગાડીના ચાલકે ગાડી હંકારી મુકી હતી. આથી પોલીસ ટીમ દ્વારા ઈકો ગાડીનો પીછો શરૂ કરી દેવાયો હતો. ત્યારે છાલા ગામ નજીક પાલવ પાસે નજીક ઈકો કાર મૂકીને ડ્રાઇવર ભાગ્યો હતો. એટલે પોલીસ ટીમે તેને પકડી પાડવા માટે દોડ પકડની રેસ લગાવી હતી. જો કે ડ્રાઈવર પોલીસને ચકમો આપીને પાલવ હોટલ પાછળના ખેતરોમાં થઈને નાસી ગયો હતો.

​​​​​​​ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતાં ગાડીમાં વચ્ચેની અને પાછળની સીટ નીચે ગુપ્ત ખાના જોવા મળ્યા હતા. જે ગુપ્ત ખાના ખોલીને તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 119 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ગાડીની વધુ તલાશી લેતાં અંદરથી એક વીમા પોલિસી પણ મળી. જેમાં ગાડીના માલિકનું નામ મોહનલાલ પ્રેમજી જોગી ( ઈ – 609,ગોકુલમ એપાર્ટમેન્ટ,ઉજાલા સર્કલ પાસે, સરખેજ) હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી 63 હજાર 585 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ઈકો કાર મળીને કુલ રૂ. 3.13 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.