વલસાડ LCB પોલીસે ફિલ્મીઢબે ઉમરગામના ભિલાડ નજીકથી કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી 34.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


વલસાડ LCBની ટીમ ભિલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીવાળા કન્ટેનર ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. કન્ટેનર ચાલકે કન્ટેનર ન અટકવતા LCBની ટીમે કન્ટેનરનો ફિલ્મીઢબે પીછો કરીને કન્ટેનરને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભિલાડ રેલવે ફાટક પાસે ટ્રાફિક જામમાં કન્ટેનર અટકી ગયો હતો. કન્ટેનર ચાલક અને ક્લીનરે ભાગવાનો પ્રયત્ન કરતા કન્ટેનર ચાલકને LCBની ટીમે પકડી લીધો હતો. જ્યારે ક્લીનર ભાગી જવામાં સફળ થયો હતો. LCBની ટીમે કન્ટેનરમાં ચેક કરતા 10,068 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે ભિલાડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે
વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીના આધારે સેલવાસ મધ્યેથી એક કન્ટેનર નંબર MH 46 BM 2114માં દારૂનો જથ્થો ભરી ચાલક સેલવાસથી નીકળી નરોલી થઈને નેશનલ હાઈવે નંબર 48 પરથી અમદાવાદ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમ નરોલી ચેકપોસ્ટ નજીક બાતમી વાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી તે દરમિયાન, બાતમીવાળુ કન્ટેનર આવતા પોલીસે તેને ઉભુ રાખવાનો ઈશારો કરતા કન્ટેનર ચાલકે કન્ટેનર ઊભું ન રાખતા પૂર પાટે આગળની તરફ હંકારી મૂક્યું હતું. LCBની ટીમે કન્ટેનરનો પીછો કરી ભિલાડ હાઇવે ઉપર આર એફ ડેલીમાર્ટ મોલની સામે સર્વિસ રોડ ઉપર ભિલાડ રેલવે ફાટકનો ટ્રાફિક જામ હોવાથી કન્ટેનર ચાલકે કન્ટેનરને સર્વિસ રોડ ઉપર ઉભી રાખી દીધું હતું.
પોલીસને જોઈ કન્ટેનર ચાલક અને ક્લીનર સાઈડમાંથી એક સખ્શ નીચે ઉતરી ભાગવા લાગ્યા હતા. બંને સખ્શોનો અલગ અલગ ટીમો બનાવી પીછો કરતા કન્ટેનર ચાલકને પોલીસે પકડી પાડ્યો હતો. અને ક્લીનર શીટ ઉપર બેસેલો યુવક હાઇવે ક્રોસ કરી સામેની બાજુથી નાસી છુટ્યો હતો. પોલીસે ચાલકને સાથે રાખી કન્ટેનરમાં ચેક કરતા કોથળાઓમાંથી કુલ 10,068 બોટલ દારૂનો જથ્થો LCBની ટીમે પકડી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે સુરેશકુમાર રામજીવન બીસ્નોયની ધરપકડ કરી કન્ટેનરમાંથી ભાગી છુટેલા રિષપાલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કુલ 34.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભિલાડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.