ગાંધીધામ નગરપાલિકામાં કાર્ગોના રહેવાસીઓ ધસી જઈ રોષ ઠાલવ્યો: કામ ન થઈ શકે તો રાજીનામું આપવાની કરી માંગણી

ગાંધીધામ નગરપાલિકામાં કાર્ગો વિસ્તારના લોકો સ્વચ્છતા મામલે ધસી આવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અહી ડ્રેનેજના ગંદા પાણી ભરાઈ રહ્યા છે, જેનો નિરાકરણ થઈ રહ્યો નથી. જેના લીધે હવે રહેવાસીઓના આરોગ્યને પણ અસર થઈ રહી છે.
સોમવારના સવારે કાર્ગો વિસ્તારમાં રહેતા પરિવારો મોટી સંખ્યામાં નગરપાલીકા કચેરીએ ધસી આવ્યા હતા. જ્યાં લોબીમાં રોષ વ્યક્ત કરતાં જો કામ ન થઈ શકતા હોય તો રાજીનામું આપવાની માંગણી કરાઇ હતી. ત્યારબાદ સીઓની ચેમ્બર તરફ ધસી જઈને લોકોએ પોતાની રજુઆત કરી હતી. જે સાંભળ્યા પછી સીઓએ સ્થળ પર જેસીબી અને મડપંપ મોકલી ગંદકીને ઉલેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કાર્ગો વિસ્તાર માટે સ્વચ્છતા ન થવી કે ગંદકી દુર ન થવી એ કોઇ નવીનતમ ફરિયાદ નથી.હાલમાં જ સ્વચ્છતા સર્વેક્ષણના જાહેર થયેલા પરિણામોમાં ગાંધીધામ મોટા પાયે પીછેહટ જોવા મળી હતી. દરમહિને માત્ર સ્વચ્છતા પાછળ લાખોના આંધણ છતાં જોઇએ તેવું કામ જોવા ન મળતા આ પરિસ્થિતિ મામલે વ્યાપક અને ઓનગ્રાઉન્ડ તપાસ થવી જરૂરી બની છે.