ગાંધીધામમાં પાનની દુકાનમાંથી 15 હજારની વિદેશી સિગારેટ્સનો જથ્થો મળ્યો

ગાંધીધામના બેંકિગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની દુકાન પર પોલીસે તપાસ કરતા વિદેશી સિગારેટ્સનો જથ્થો મળી આવતા સિગારેટ, તમાકુ ઉત્પાદન જાહેરાત અને વેપાર વાણિજ્ય તથા નિયમન ઉત્પાદન વહેંચણી પ્રતિબંધ અધિનિયમ તળે બે સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

બેંકિગ સર્કલમાં આવેલા મોદીકેર લખેલી દુકાન શંકર પાન વલ્ડમાં વિદેશી સિગારેટ્સ વેંચાતી હોવાની બાતમીના આધારે રાત્રે એ ડિવિઝન પોલીસ પહોચી ગઈ હતી. જ્યાં જઈને તપાસ કરતા અલગ અલગ બ્રાંડના 66 સિગારેટ્સના પેકેટ એવા મળ્યા, કે જેના પર કોઇ ચેતવણી માર્કો કે સંદેશ હતો નહિ જ્યારે તે હોવો ભારતમાં નિયમ છે. તપાસમાં બહાર આવ્યું કે કેટલીક સિગારેટ્સ મેડ ઈન કોરીયા તો કોઇ મેડ ઈન ચાઈનીઝ અને નાઈઝીરીયા પણ છે. કુલ 66 અલગ અલગ પેકેટ્સ કે જેની કુલ કિંમત 14,900 ગણીને દુકાન પર હાજર મળી આવેલા દુર્ગેશભાઈ અરજણભાઈ ચંદાણીએ આ જથ્થો શેઠ વેંચાણ કરવા માટે લાવેલા હોવાનું જણાવતા શેઠ પ્રદિપભાઈ પ્રભુલાલ જેઠવાણીનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા.

તેમણે આ જથ્થો અલગ અલગ રીતે મેળવેલો હોવાનું જણાવતા બંને સામે ગુનો નોંધીને ધરપકડના પગલા ભરાયા હતા. નોંધનીય છે કે આ પ્રકારનો જથ્થો શહેરમાં ઠેર ઠેર જોવા મળી જતો હોય છે.