ગોંડલ જેલમાં કાચથી હાથમાં છેકા મારી ચાર કેદીનો આપઘાતનો પ્રયત્ન

copy image

ગોંડલની સબજેલમાં કાચા કામના ચાર કેદીએ કાચથી હાથ ઉપર છરકા મારતાં ચારેય લોહીલુહાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.એક જેલ સહાયકની કનડગતથી પગલુ ભર્યાનુ જાણવા મળ્યું હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર, સબજેલમાં કાચા કામનાં કેદી તરીકે યાર્ડ નં.૧ બેરેક નંબર બેમાં રહેલા શરદ દિલીપભાઈ ભરખડા, અશ્વિન વાલજી ધુડા અને સમીર ફીરોઝ શાહમદારે બપોરે હાથમા કાચ વડે કાપા મારતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે ટીપુ ઉર્ફ સુલતાન જાનમહમદને પથરીનો દુખાવો હોય હોસ્પિટલે લઇ જવાતા હોસ્પિટલના બાથરુમમાં બારીનો કાચ તોડી હાથ ઉપર કાપા મારતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે અધિક્ષક ગમારાએ જણાવ્યુ કે બપોરે મને આ ઘટનાની જાણ થતાં હુ તરત જેલ પર પહોંચી ગયો હતો અને કેદીઓને હોસ્પિટલ લઈ ગયો હતો.કેદીઓએ જેલના જ એક કર્મચારી પર ત્રાસ ગુજાર્યાનો આક્ષેપ કરી પગલુ ભર્યાનું અધ્યક્ષ ગમારાએ જણાવ્યુ હતું.

આપઘાતનો પ્રયત્ન કરનાર ટીપુ ઉર્ફ સુલતાન આટકોટનો છે.ધોરાજીમાં તેની પ્રેમીકાના નાક, કાન, કાપી નાખવા બાબતે કલમ ૩૦૭ અન્વયે ગુનો દાખલ થયો હોવાથી ગોંડલ સબજેલમાં છે.જ્યારે શરદ ભરખડા દારુની હેરાફેરી અંગે જેલમાં સજા કાપી રહ્યો છે.અશ્વિન ઘુડા શાપરનો છે.કારખાનેદાર પાસે ખંડણી માંગવા અંગે જેલમાં છે અને સમીર શાહમદાર ગોંડલ આવાસ ક્વાર્ટરમા દેવીપુજકની હત્યા મામલે જેલમાં સજા ભોગવી રહ્યો છે.

જેલ પ્રશાસન પર દબાણ આપવા જેલમા અવારનવાર આવા સ્ટંટ થતા રહે છે.આ પૂર્વે અધિક્ષક વ્યાસ ના સમયમાં પણ કેદીઓએ આપઘાતના પ્રયાસો કર્યા હતા.સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જેલના કર્મચારીઓએ આ ચારેય કેદીઓ સામે છેક જેલ વિભાગના આઇજી સુધી અરજી કરી છે ત્યારે આ બનાવમાં ખરેખર સત્ય શું છે એ તપાસનો વિષય બન્યો છે.