પ્રેમલગ્ન કરનાર યુવકના પિતાનું યુવતીના પરિવાર દ્વારા અપહરણ કરી ઝેરી પદાર્થ પીવડાવતાં મોત નીપજયું

જામજોધપુરના કલ્યાણપુરના યુવકે જેતપુરની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેતાં યુવતીના પરીવારજનો પુત્રીને શોધવા માટે યુવકના પિતાનું અપહરણ કરી ગયાનો અને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારી દેવાનો આક્ષેપ મૃતકના પુત્ર તથા ભાઈએ કર્યો હતો. જેના આધારે જેતપુર પોલીસે તપાસ આદરી છે અને આધેડના મોતનું સાચું કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહ ખસેડ્યો હતો, જે રિપોર્ટ આવ્યા પછી મોતનું સચોટ કારણ સામે આવશે.
જેતપુરના નવાગઢમાં રહેતા હીરાભાઇ કાનાભાઈ સાંબલના મોટાભાઈ લખમણભાઈને ઉલ્ટી થયા પછી બેહોશ થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લવાયા હતા, ત્યાં તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતાં. મૃતકના પુત્ર ભાવિકભાઈએ પિતાના મોત વિશે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોતે પરિવાર સાથે જામજોધપુરના કલ્યાણપુર ગામમાં રહે છે જેમાં મોટાભાઈ શૈલેષે જેતપુરમાં રહેતી યુવતી શ્રુતિ સાથે પ્રેમલગ્ન કર્યા છે.
ચાર દિવસ પહેલા ઘરેથી ભાગી ગઇ હતી જેનો ખાર રાખી પરીવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. યુવકના પિતા લખમણભાઈને જાણ થતાં તેઓ સેતુદડ ગામમાં રહેતા સંબંધીને ઘરે ચાલ્યા ગયાં હતાં. છતાં પણ યુવતીના પરિજનોએ લખમણભાઈને શોધી કાઢ્યા અને તેના પર દબાણ લાવવા કાનાભાઈ અને ખોળાભાઈએ બળજબરીપૂર્વક પોતાની સાથે લખમણભાઈની જ એક દીકરીના સાસરીયે ઇશ્વરીયા તથા ઉપલેટા લઈ ગયા હતા.
પરંતુ ત્યાં બંનેની ભાળ ન મળતા લખમણભાઈને નવાગઢ રહેતા ભાઈ હીરાભાઈના ઘરે મૂકી ગયા હતાં. ત્યાં મૂકી ગયાની થોડીવારમાં તેને છાતીમાં બળતરા અને ઉલ્ટી કરી બેહોશ થઈ ગયા હતા અને બાદમાં આ જ હાલતમાં તેમનું મોત થયું હતું.