રાજસ્થાનથી અમદાવાદ લઈ જવામાં આવતા રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીના વિદેશી દારૂનાં નેટવર્કનો કરાયો પર્દાફાશ, 13.93 લાખનો મુદામાલ કબ્જે

ગુજરાતમાં વિદેશી દારૃ ઘૂસાડવામાં માહેર ગણાતા રાજસ્થાનના રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીનાં દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરી ચીલોડા પોલીસે આઈ – 20 અને બ્રેઝા ગાડીમાં અમદાવાદ લઈ જવામાં આવતો વિદેશી દારૂ અને બિયર મળીને 2 હજાર 652 નંગ દારૂનો જથ્થો પકડી પાડી બે ખેપીયાંની અટકાયત કરી કુલ રૂ. 13.93 લાખનો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન એસ અસારીને બાતમી મળી હતી કે, વિદેશી દારૂની પેટીઓ ભરીને બ્રેઝા અને આઈ 20 કાર હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જવાની છે.જેનાં પગલે ચીલોડા પોલીસની ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી મહેન્દ્રા પાટીયા નજીક હિંમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઇ ગયા હતા. તે દરમ્યાન હિંમતનગર તરફથી બાતમી વાળી ગાડીઓ આવતા હાઇવે પર ખાનગી વાહનોની આડાસ કરી બંને ગાડીઓ રોકાવવા પ્રયત્ન કરતા આઈ-20 ગાડી રોકાઇ હતી પરંતુ બ્રેઝા ગાડીના ચાલકે ગાડીને ભગાડી મુકી હતી. જેનો ફિલ્મી ઢબે પીછો કરીને મહુન્દ્રા પાટીયાથી પકડી લેવામાં આવી હતી.
બાદમાં પોલીસે બંને કારની તલાશી લેતાં જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની 2172 નંગ બોટલો તથા બિયરનાં 480 નંગ ટીન મળ્યા હતા. આ વિશે ગાડીના ચાલકોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જગદિશ ઉર્ફે જગદિશચંદ્ર દેવીલાલ પટેલ(રહે.બિલેટી ગ્રંથી ગામ પોસ્ટ સવાસ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન) અને ગાડુરામ ભગીરથરામ બિશ્નોઈ(રહે.માનકી ગામ, ધોરીમન્ના,બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવી કબૂલ્યુ હતું કે, દારૂ અને બિયરના ટીનની પેટીઓ બંને ગાડીઓમાં ભરી શૈલેષ જૈન અને પ્રિતેશ શેઠનાં કહેવાથી ડુંગરપુર મધ્યેના ઠેકા ઉપરથી પ્રકાશ ડાંગી(રહે.ડુંગરપુર રાજસ્થાન) એ ભરી આપ્યો હતો. અને અમદાવાદ પહોંચીને શૈલેષ જૈન અને પ્રિતેશ શેઠ કહે તે સખ્શને ડીલીવરી કરવાનો હતો. જેનાં સંદર્ભે ચીલોડા પોલીસે દારૂ તેમજ બિયરનો જથ્થો, મોબાઈલ ફોન અને બંને કાર મળીને કુલ રૂ. 13.93 લાખનો મુદામાલ કબ્જે કરી રીઢા બુટલેગર પ્રકાશ ડાંગી સહિત પાંચ સખ્શો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.