આધેડ ચા પીવા રોકાયા અને કારમાંથી રૂપિયા 16.54 લાખ ભરેલા થેલાની થઈ ચોરી

આણંદ પાસેના કરમસદ સ્થિત વિવાહ પાર્ટી પ્લોટ નજીક સોમવારે બપોરે આંગડિયા પેઢીમાંથી પૈસા ઉપાડીને કરમસદ તરફ જઈ રહેલાં આધેડની કારનો દરવાજો ખોલીને બે બુકાનીધારી ઇસમોએ રૂપિયા 16.54 લાખની લૂંટ કરી લીધી હતી.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, વિદ્યાનગરમાં રહેતા અને કરમસદમાં તથ્ય ફાઉન્ડેશન નામે સેવાકીય પ્રવૃતિ કરતાં ભરતભાઈ મોજદાન ગઢવીના મિત્રએ તેમને આંગડિયા પેઢી વડે તેમના ફાઉન્ડેશનને મદદ કરવા માટે રૂપિયા 16.54 લાખ મોકલ્યા હતા. જેના સંદર્ભે સોમવારે બપોરે તેઓ આર. કે. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં ગયા હતા. આ દરમિયાન, પેઢીમાંથી નાણાં ઉપાડીને તેમની કાર હંકારી તેઓ બપોરે ચાર વાગ્યાની આજુબાજુ કરમસદ તરફ જતા હતા. એ વેળાએ વિવાહ પાર્ટી પ્લોટ સ્થિત ગોવર્ધન કાઠિયાવાડી હોટલ નજીક તેમણે તેમની કાર રોકી હતી. કારને લોક મારીને તેઓ ચા પીવા માટે રોકાયા હતા.
એ વેળાએ પાછળથી બે ઇસમો બાઈક પર આવ્યા અને તેમણે કારનો દરવાજો ખોલીને રૂપિયા ભરેલો થેલો ઉઠાવી તારાપુર તરફ ક્યાંય ગાયબ થઈ ગયા હતા. બીજી બાજુ આ અંગેની જાણ ભરતભાઈને થતાં તેમણે બુમાબૂમ કરી હતી. જેને લીધે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. વિદ્યાનગર પોલીસ તરત જ સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. ભરતભાઈએ પોલીસને જણાવ્યા મુજબ, બંને ઇસમોએ મોઢેં બુકાની બાંધી હતી અને માથે લાલ રંગની ટોપી પહેરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, બંને ઇસમો સંભવિત તેમનો પેઢીએથી જ પીછો કરતા હશે. અને ત્યારપછી અહીં ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. પોલીસ દ્વારા આંગડિયા પેઢીથી લઈ ઘટનાસ્થળ સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તથા નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડવાની અને ફરિયાદીની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.