સિતપોણ ગામમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

ભરૂચના સિતપોણ ગામમાં પોતાના બાબતે વાતો કરતાં હોવાની આશંકાથી એક ઇસમે તેના પિતા સાથે મળી પાડોશમાં રહેતાં યુવાન તથા તેની માતા-પત્ની સાથે ઝઘડો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ભરૂચ તાલુકાના સિતપોણ ગામમાં હરીજનવાસમાં રહેતાં અરવિંદ ભીખા સોલંકી તથા તેમની પત્તી ચંપાબેન અને માતા વિણાબેન ઘરે હતાં. તે સમયે બાજુમાં રહેતાં વિપુલ રતિલાલ સોલંકીએ તેમના ઘરે આવી અરવિંદની માતા-પત્નીને અપશબ્દો બોલતો હતો.

જેથી અરવિંદે તેમને અપશબ્દો ન બોલવા કહેતાં વિપુલે ઉશ્કેરાઇ જઈને તમે લોકો મારી વાતો કેમ કરો છો તેમ કહેતાં અરવિંદે તેમને જણાવ્યું હતું કે, તેઓ તેમની કોઇ વાત નથી કરતાં. તેમ છતાં તેણે આવેશમાં આવીને ઘરમાંથી બેટ લાવી તેમના પર હુમલો કર્યો હતો.આ દરમિયાનમાં વિપુલનું ઉપરાણું લઇ તેના પિતા રતિલાલ મગન સોલંકી પણ લાકડી લાવી તેમણે પણ હુમલો કરતાં અરવિંદની માતા તથા પત્ની છોડાવવા વચ્ચે પડતાં તે બંનેને પણ સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકોએ દોડી આવી તેમને છોડાવતાં પિતા-પુત્રએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઘટના સંદર્ભે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.