અંકલેશ્વર પોલીસે કરિયાણાની દુકાનમાંથી દારૂ ઝડપી પાડ્યો :67 નંગ બોટલો સહીત કુલ 30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે માહિતીના આધારે સરદાર હોસ્પિટલમાં રોડ પર આવેલી કરિયાણાની દુકાનમાંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે 67 નંગ બોટલો મળીને કુલ 30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, શહેરનાં સ્ટેશન ચોકીથી સરદાર પટેલ હોસ્પીટલ રોડ ઉપર આવેલી જુની સહારા બેન્કની બાજુમાં જય જલારામ કરિયાણા સ્ટોરમાં સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદી પોતાની કરિયાણાની દુકાનમાં ઇંગ્લીશ દારૂ છુપાવી રાખી ચોરી છુપીથી વેંચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતાં તેની દુકાનમાં તપાસ કરતાં દુકાનની ઉપરના પ્રથમ માળમાં આવેલા લાકડાના કબાટમાંથી ત્રણ મીણીયા કોથળામાંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બાનવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી સંદીપ ઉર્ફે મુન્નો પ્રવિણચંદ્ર મોદીને પકડી પાડી તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની નાની -મોટી એમ કુલ 67 નંગ બોટલો મળીને કુલ રૂ.30,500 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહીબિશન એક્ટ કલમ 65(એ) (ઇ), 116 (બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.