દેવપરા નજીક બાઇક પરથી પડી જતાં ભાઇનું મોત, બહેન ઇજાગ્રસ્ત

રાજુલા તાલુકાના દેવપરામા રહેતો એક યુવક પોતાની બહેનને બાઇક પાછળ બેસાડી ફોર-વે ચોકડી પાસે મુકવા જઇ રહ્યો હતો તે દરમિયાન બાઇક પરનો કાબુ ગુમાવતા અથવા કોઇ જનાવર આડુ આવતા પડી જવાથી યુવકનુ મૃત્યુ થયું હતુ. જયારે તેના બહેનને ઇજા થઈ હતી.
અકસ્માતની આ ઘટના રાજુલાના દેવપરા પાસે સાકરીયા હનુમાન મંદિર પાસે ફોર-વે ચોકડી પાસે બની હતી. અહી રહેતા જીગરભાઇ પ્રવિણભાઇ બાંભણીયા (ઉ.વ.22) નામનો યુવક પોતાની બહેન મમતાને ફોર-વે ચોકડી પાસે મુકવા માટે ગયો હતો. તેઓ અહી પહોંચ્યા તે સમયે તેમણે બાઇક પરનો કાબુ ગુમાવતા કે કોઇ જનાવર આડુ આવતા બાઇક પરથી બંને પડી ગયા હતા.
જીગરભાઇને ગંભીર ઇજા થતાં તેનુ મૃત્યુ થયું હતુ. જયારે મમતાબેનને સારવાર અર્થે પ્રથમ રાજુલા અને બાદમા મહુવા દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પ્રવિણભાઇ બાંભણીયાએ મરીન પીપાવાવ પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ ઝીંઝાળા આગળની તપાસ કરી રહ્યાં છે.