BSFએ બે પાકિસ્તાની ઘૂસણખોરને લખપતના દરિયાઈ હરમીનાળા ક્રિક વિસ્તારમાંથી ઝડપ્યા

કચ્છના પશ્ચિમી દરિયા વિસ્તારમાં અવારનવાર પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં આવતી હોવાની ઘટના સતત સામે આવતી રહેતી હોય છે. જેને સતર્ક સિમાં સુરક્ષા દળના જવાનો દ્વારા પકડી પાડવામાં આવતા રહેતા હોય છે. ત્યારે આજે રાત્રે લખપત તાલુકાના સંવેદનશીલ દરિયાઈ હરમીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોરને BSFની ટુકડી દ્વારા ફરી એકવાર પકડી પડાયા છે.
આ વિશે સિમાં સુરક્ષા દળની યાદી અનુસાર મોડી રાત્રે નલિયા BSFને હરામીનાળા વિસ્તારમાં 6 જેટલી માછીમારી બોટની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. જેના આધારે BSFએ 900 વર્ગ કિલોમીટરના ફેલાયેલા હરમીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન આજે છુપાયેલા 35 વર્ષીય યાશીન શેખ અને 25 વર્ષીય મોહમદ શેખ નામના બે પાકિસ્તાની ઘૂસણખોરોને સલામતી દળના જવાનોએ પકડી પાડ્યા હતા. જ્યારે હજુ અન્ય ઘૂસણખોરો છુપાયા હોવાની સંભાવનાને પગલે સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે. ઝડપાયેલા બંને સંદિગ્ધ પાકિસ્તાનના સુજાવલ જિલ્લાના રહેવાસી છે.