વિરમપુર પાસે પોલીસ પર કરાયો હુમલો: 3 ઇજાગ્રસ્ત

copy image

અંબાજીમાં શરદપૂર્ણિમાના દિવસે પોલીસે ગાડીને પ્રવેશવા ન દેતાં તેની અદાવત રાખી મોડીરાત્રે વિરમપુર પાસે ટોળાએ પરત ફરી રહેલા પોલીસ કર્મીઓની ગાડીને ઘેરી લઇ તોડફોડ કરી હુમલો કરતાં બે પોલીસ કર્મીઓ અને એક અન્ય વ્યકિતને ઇજાઓ પહોચી હતી. જ્યાં સ્વબચાવમાં પોલીસે કરેલી લાઠીચાર્જમાં ઇસમોને પણ ઇજા પહોચી હતી. આ મામલે અમીરગઢના ગવરાના 7 ઇસમો સામે ગૂનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અંબાજીમાં શરદપૂર્ણિમાને દિવસે ટ્રાફિક નિયમનમાં અમીરગઢ તાલુકાના ગવરા ગામના ઇસમોની ઇકો ગાડી પોલીસ કર્મીઓએ રોકાવી અંબાજીમાં પ્રવેશ આપ્યો હતો નહિ. આથી ભીમાભાઇ જુમાભાઇ ધ્રાંગી,રાજુભાઇ ભુરાભાઇ ગમાર,વાઘાભાઇ રાજાભાઇ ગમાર,રાજુભાઇ ભીખાભાઇ ગમાર,નાથાભાઇ જગાભાઇ ગમાર, જયંતિભાઇ લલ્લુભાઇ માણસા અને ભેરાભાઇ લલ્લુભાઇ માણસાએ મનદુ:ખ રાખી મોડીરાત્રે વિરમપુર પાસે પોલીસ કર્મીઓ ખાનગી કારમાં પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બે વાહનોને ઉભા રખાવી ઘેરી લીધા અને લોખંડની પાઇપ, લાકડીઓ વડે કારના કાચ તોડી નાખ્યા હતા.

આ હુમલામાં પોલીસ કર્મી જયેશભાઇ, હર્ષદભાઇ તથા વાહનમાં બેઠેલા ધનપુરા ગામના ભલાજી અમરાજી રબારીને ઇજાઓ પહોચી હતી. મોડીરાત્રે બનેલ આ બનાવને લઇ ભારે ઉત્તેજના ફેલાઈ ગઇ હતી. જ્યાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્તોને 108ના પાયલટ ભવાજી ઠાકોર, ઇએમટી વિજયભાઇએ પાલનપુર સિવિલ માં સારવાર માટે ખસેડયા હતા. આ વિશે વિપુલકુમારે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે 7 ઇસમો સામે ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંબાજીમાં વાહન પ્રવેશવા ન દેવાનું મનદુ:ખ રાખી 7 ઇસમોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. ફરિયાદ નોંધાતા ગૂનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સારવાર પછી બાકીના આરોપીની અટકાયત કરવામાં આવશે.એમ. આર. બારોટ (પીઆઇ, અમીરગઢ)

પોલીસના વાહનોની તોડફોડ કરી કર્મચારીઓ ઉપર હુમલાના બનાવમાં પોલીસે પણ સ્વરક્ષણ માટે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ભીમાભાઇ જુમાભાઇ ધ્રાંગી અને રાજુભાઇ ભીખાભાઇ ગમારને ઇજાઓ પહોચતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.