જામનગરના હાપા નજીક આવેલા ભંગારના વાડામાં પ્લાસ્ટિકના જથ્થામાં આગ ભભૂકી: ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

જામનગર પાસે હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારે અકસ્માતે આગ લાગી ગઈ હતી, અને પ્લાસ્ટિકના ભંગારનો મોટો જથ્થો સળગી ગયો હતો. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ સતત પાણીના ત્રણ ટેન્કરો વડે પાણીનું મારો ચલાવીને આગને બુઝાવી દીધી હતી, અને વધારાનો પ્લાસ્ટિકનો જથ્થો બચાવી લીધો હતો.
બનાવની વિગત મુજબ જામનગરમાં હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શાહિદભાઈ સમાની માલિકીના પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારે અકસ્માતે તણખો પડવાના લીધે આગ ભભૂકી હતી, અને પ્લાસ્ટિકના ભંગારનો જથ્થો સળગવા માંડ્યો હતો. જેમાં પાણીની પ્લાસ્ટિકની ખાલી બોટલ, તેમજ સિમેન્ટની થેલી સહિતના ખાલી બારદાન અને અન્ય પ્લાસ્ટિકનો વેસ્ટજ વગેરે સળગી ગયા હતા. થોડીક જ પળોમાં આગે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને પ્લાસ્ટિકના ભંગારનો જથ્થો સળગવા માંડ્યો હતો.
આ બનાવ વિશે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના જસ્મીન ભેંસદડીયા, અશોક ગોહિલ, જયરાજસિંહ વાળા, શૈલેષભાઈ, મનદીપસિંહ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને પાણીના ત્રણ ટેંકરોની મદદથી સતત એક કલાકની જહેમત પછી આગને કાબૂમા લીધી હતી અને વધારાનો પ્લાસ્ટિકનો જથ્થો બચાવી લીધો હતો.