દુકાનમા ઘી માં હાનિકારક કેમિકલની ભેળસેળ કરી વેચાતું હતું, વેપારીને ફટકારાઈ સજા

રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્ત્વો બેફામ બન્યા છે તેવામાં એક કેસમાં ઘીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના બનાવમાં કોર્ટે વેપારીને એક માસની સજા અને 3000નો દંડ ફટકાર્યો છે. રાજકોટ મનપા તરફથી રોકાયેલા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહના જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમારે બજરંગવાડી મેઈન રોડ પર સહજ કોમ્પ્લેક્સમાં આવેલી અંશ ફૂટવેર નામની દુકાનમાં ચેકિંગ કરતા ત્યાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

છૂટક વેચાણ થતા આ ઘીમાં ભેળસેળની શંકા જણાતા વધુ તપાસ કરાતા ત્યાંથી દિવેલ પણ મળી આવ્યું હતું તેથી દિવેલની ભેળસેળની શંકા વધુ દૃઢ બનતા અંશ ફૂટવેરના માલિક શૈલેષ જેન્તીલાલ મહેતાની હાજરીમાં જ સેમ્પલ લઈને વડોદરા લેબમાં મોકલાયા હતા. લેબના રિપોર્ટમાં ઘીમાં હળદર ઉપરાંત પ્રતિબંધિત યેલો કલર ડાઈ અને દિવેલની હાજરી મળી હતી અને અનસેફ જાહેર કરાયું હતું. ગાયના ઘીમાં ભેળસેળ થયેલ હોવાનો અભિપ્રાય મળ્યો હતો.

અંશ ફૂટવેરના માલિકે ઘી માં આર્થિક લાભ મેળવવાના ઈરાદે ભેળસેળ કરી વેચાણ કરતા હોવાનું ખૂલતા ફૂડ સેફ્ટી ઓફિસરે જરૂરી કાર્યવાહી કરવા માટે કોર્ટમાં પેઢીના માલિક શૈલેષ જેન્તીલાલ મહેતા સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. કેસ ચાલી જતા કોર્ટે તારણ કાઢ્યું હતું કે, અંશ ફૂટવેરના માલિક શૈલેષ મહેતાએ ખાદ્યચીજના વેચાણ દરમિયાન ખોટી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા છે અને ઘી માં પ્રતિબંધિત રંગ તેમજ દિવેલનો ઉપયોગ કરીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની અલગ અલગ કલમોનો ભંગ કર્યો છે.

ફરિયાદી પક્ષ તરફથી હાઈકોર્ટ અને સુપ્રીમના અલગ અલગ ચુકાદા રજૂ કરાયા હતા જે ધ્યાને રાખીને આરોપીને કસૂરવાર ઠેરવીને કોર્ટે શૈલેષ જેન્તીલાલ મહેતાને કલમ-59(1) હેઠળ 1 માસની સજા તથા કલમ-63 હેઠળ 1 માસની તેમજ રૂ. 10,000 તથા કલમ 57(1) હેઠળ 3000નો દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો દંડ ફટકાર્યો છે.