હરિયાણાથી ટેન્કરમાં છુપાવીને લવાયેલો 23.34 લાખનો દારૂ તુણાના ઝિરો પોઇન્ટથી ઝડપાયો

ભુજથી IG ને અંગત રીતે મળેલી ચોક્કસ માહિતીના આધારે ભુજથી પોતાની સાયબર ક્રાઈમ ટિમને કંડલા મોકલીને દારૂનો જંગી જથ્થો ભરેલા ટેન્કરને ઝડપી લીધું હતું. તુણાના ઝીરો પોઇન્ટ પાસેથી પકડાયેલા આ ટેંકરના ગુપ્ત ખાનામાંથી દારૂ અને બીયરનો 23.34 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ટેંકર સહિત કુલ રૂ.33.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે ડ્રાઈવર અને અન્ય એક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ ખરેખર જથ્થો ક્યાં અને કોને ડિલીવર થવાનો હતો, તે વાતની સ્પષ્ટતા થઈ શકી ન હતી.

ભુજ સરહદી વિભાગના સાયબર ક્રાઈમ પોલીસની એક ટુકડી IGP ને મળેલી માહિતીના આધારે ગત મોડી રાત્રે વોચમાં હતા ત્યારે માહિતી અનુસારનું ટેંકર કંડલા નજીક તુણા રોડથી પસાર થતા પોલીસ ટુકડીએ પોતાના સરકારી વાહન ભગાડીને આગળ ઝીરો પોઇન્ટ પાસે આડસ ઉભી કરીને ટેંકર ઊભું રખાવ્યું  હતું. ટેંકરને પાછળથી ખોલીને જોતા તેમાં કોઇ દારૂનો જથ્થો ન દેખાતા પોલીસ સ્ટાફ પણ અવઢવમાં મુકાયા હતા. પરંતુ ત્યારબાદ ડ્રાઈવર સીટ પાછળથી એક ગુપ્ત ખાનું ખુલતું હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ, તેમાંથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

મોડી રાત્રે પકડેલા ટેંકરને સાયબર ટીમની ટુકડી કંડલા મરીન પોલીસ સ્ટેશન લઈ જઈને જથ્થો તપાસતા કુલ 5340 બોટલ દારૂ અને 1176 ટીન બિયરના મળીને કુલ 23,33,850નો દારૂનો જથ્થો તેમજ ટેંકર, મોબાઈલ મળીને કુલ 33,42,350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કાર્યવાહીમાં ટેંકર સાથે મળી આવેલા ડ્રાઈવર રામકિશન મુલારામ જાટ (ઉ.વ.35) ની અટકાયત કરાઈ હતી, તો પુછપરછમાં આ જથ્થો રાજસ્થાનના ઝાલોરના સરણાઉમાં રહેતા ગણપત વન્નારામ તેતરવાળ (બિશ્નોઈ) એ મોકલ્યો હોવાનું બહાર આવતા બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી. જોકે આ જથ્થો ખરેખર ક્યાં ડિલવર થવાનો હતો તેની કોઇ સ્પષ્ટતા મળતી નથી. ભુજથી IGની દોરવણી તળે થયેલી આ મોટી કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી.