બાકરોલ સર્કલ પાસે કાર અને બાઇક વચે અકસ્માત: બાઇકચાલકને માથાના ભાગે ઇજા પહોચતા મોત

image-185

બાકરોલ સર્કલ પાસેથી પસાર થતા બાઈકચાલકને કારચાલકે અડફેટે લેતા તે જમીન પર પટકાયો હતો. ગંભીર ઈજાઓ પહોચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાઈકચાલકનું મૃત્યુ થયું હતું. આ અંગે અસલાલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

નારોલગામમાં રહેતા ડાહ્યાલાલ પાટીદાર નારોલ મધ્યે તેમના ખાણીપીણીના ઢાબા પર હાજર હતા તે દરમિયાન તેમના માસીના દીકરા લાલશંકરનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, બાઈક લઈને બાકરોલ સર્કલ ક્રોસ કરી રહ્યો હતો એક કારચાલકે મને ઠોકર મારી છે, જેથી માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોચી છે અને અકસ્માત કરનાર કારચાલક મારી સાથે જ છે. ડાહ્યાલાલ તાત્કાલિક બાકરોલ સર્કલ પહોંચ્યા ત્યારે લાલશંકરના માથાના ભાગમાં પાટો બાંધ્યો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અકસ્માત કરનાર કારચાલક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો અને બાદમાં પાછા મૂકી ગયો હતો. આટલું બોલ્યા પછી લાલશંકર અચાનક બેહોશ થઈ ગયા હતા. જેથી ફરી તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે લાલશંકરને મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે ડાહ્યાલાલે અજાણ્યા કારચાલકના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.