અમદાવાદમાં ઓઢવમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 150 લિટર ડીઝલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ


ઓઢવમાં ઉમિયા ટ્રાન્સપોર્ટની પાર્ક કરેલી ટ્રકમાંથી મોડી રાત્રે કોઇ અજાણ્યો ઈસમ તાળું તોડી રૂ.13,950ની કિંમતના 150 લિટર ડીઝલની ચોરી કરી ગયો હતો. આ વિશે ટ્રકના માલિકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.
ઓઢવ અંબિકનગરમાં મયૂર પટેલ પરિવાર સાથે રહે છે અને ધવલ શોપિંગ સેન્ટરમાં ઉમિયા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ધરાવી વેપાર કરે છે. મયૂર પટેલ પાસે પોતાની માલિકીની 10 ટ્રકો છે. જે તમામ ટ્રકો ધલવ શોપિંગ સેન્ટરની બહાર સર્વિસ રોડ પર પાર્ક કરી રાખવામાં આવે છે. સોમવારે રાત્રે 10.30 વાગે ડ્રાઇવર રિશીભાઇ ટ્રક સર્વિસ રોડ પર પાર્ક કરી હતી. મંગળવારે સવારે 11 વાગે રિશીભાઇ ઓફિસે આવ્યા અને તેમણે માલિક મયૂર પટેલને જણાવ્યું હતું કે, ટ્રકના ડીઝલનું લોક તૂટેલું છે. અને એમાંથી રૂ.13950 ની કિંમતનું 150 લિટર ડીઝલની કોઇકે તસ્કરી કરી છે. આથી મયૂર પટેલે ટ્રક પાસે જઇને જોયું તો ડીઝલનું તાળું તૂટેલું હતું. આથી તેમણે કંન્ટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી હતી અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ડીઝલની ચોરી કરનાર સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી શહેરના અનેક વિસ્તારમાં રોડ કે સોસાયટી બહાર પાર્ક થયેલા વાહનમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીની ફરિયાદો છે. કેટલાક વિસ્તારમાં તો રોડ પર પાર્ક કરેલી કારના પાર્ટ્સ પણ ચોરાઈ જાય છે. લોકોએ રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે.