ઘરબેઠા કામ કરવાની લાલચ આપી મહિલા સાથે 45 હજારની છેતરપિંડી કરાઇ 

crime4

copy image

હાલ ચીટરો પૈસા કમાવા માટે અવનવા આઇડિયા અજમાવી ઓનલાઇન ચીટિંગ કરી રહ્યા છે. તેવામાં ભુજના હરસિધ્ધિ નગરમાં રહેતા અને ઘરકામ કરતા મીતાબેન અતુલભાઈ જોષી પાસેથી ચીટરે ઘર બેઠા કામ કરવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. કોલગેટ કંપનીનું પેકિંગ કરવાનું જણાવી જોબ માટે ફોર્મ ભરવાના બહાને બેન્ક ખાતાના OTP મેળવીને રૂપિયા 44,543 બારોબાર ઉપાડી લઇ ઠગાઈ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભુજના મીતાબેન જોષી ને 2 સપ્ટેમ્બરે સવારે દસ વાગ્યે 7854014616 વાળા નંબર પરથી ફોન કરી દીપક પાટીદાર નામના વ્યક્તિએ જણાવેલ કે કોલગેટ કંપનીમાં ઘરે બેઠા પેકિંગ કરવાની જોબ છે. જેના માટે શરૂઆતમાં ગૂગલ પે મારફતે 2 હજાર મેળવી અને 1,500 રૂપિયા પરત આપવાના બહાને OTP મેળવી ફરિયાદી મહિલાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા 44,543 રોકડનું ટ્રાંજેકશન કરી ઉપાડી લીધા હતા.

પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં તેમણે 1930 હેલ્પલાઇન નંબર પર અરજી કરી હતી. ત્યારબાદ કામ અર્થે મુંબઈ ગયા બાદ ગુરૂવારે ભુજ એ ડિવિઝન ખાતે અગાઉ કરેલ અરજીના અનુસંધાને ફરિયાદ નોંધાવી હતી. જેની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, છેતરપિંડીના પૈસા 117, શીતલ નગર ઇન્દોરના રહેવાસી દીપક પાટીદાર નામના વ્યક્તિના ખાતામાં જમા થયા છે. સમગ્ર બનાવની ભુજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.