ડીઝલ અને જેક ચોરાતાં પગાર કટ થવાની બીકે ટેલર ચાલકે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી

copy image

ગળપાદર હાઇવે પર ટ્રેઇલરમાંથી ડીઝલ અને જેક ચોરાઇ જતાં પોતાના પગારમાંથી કટ કરાશે તેવા ડરને કારણે ચાલકે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી બનાવ ઉપજાવી કાઢ્યો હોવાનું બહાર આવ્યું હતું, લૂંટમાં ગયેલા મોબાઇલનો જ વપરાશ કરાતો હતો આ ઘટનાનું કોકડું પોલીસે ઉકેલી લીધું હતું.
એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ઘટનાની ફરિયાદ મુળ ઝારખંડના હાલે ગાંધીધામના જે.આર.રોડલાઇન્સના ટ્રેઇલર ચાલક અભયકુમાર શિવપૂજનભાઇ રાજપુતે ગત વર્ષે તા.25/9 ના રોજ એ-ડિવિઝન પોલીસ મથકે એવી ફરિયાદ નોંધાવી હતી કે ગળપાદર હાઇવે પર વહેલી પરોઢે બાઇક પર આવિને 3 ઇસમોએ છરી બતાવી રૂ.5,000 રોકડા, રૂ.23,500 ની કિંમતનો મોબાઇલ અને ટ્રેઇલરની ટાંકીમાંથી રૂ.4,000 ની કિંમતનું 50 લીટર ડિઝલ મળી કુલ રૂ.32,500 ની લૂંટ કરી નાસી ગયા છે.
આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા હતા પરંતુ કંઇ મેળ પડતો ન હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસમાં લૂ઼ટમાં ગયેલો મોબાઇલ જ ફરિયાદી ઉપયોગ કરતા હોવાનું જણાતાં ફરિયાદી અભયકુમારને LCB ખાતે બોલાવી પુછપરછ કરાતાં આખરે તેણે ટ્રેઇલરમાંથી તે દિવસે ડિઝલ અને જેક ચોરી થયા હોવાની જાણ થતાં પોતાના પગારમાંથી ચોરી થયેલી રકમ કપાશે તેવા ડરને કારણે આ લૂંટનો બનાવ ઉપજાવી ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત આપી હતી. LCB એ તેના વિરૂધ્ધ એ-ડિવઝન. પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ માટે સોંપ્યો હતો.