મખણા-ઓરીરાથી નિરોણા સુધીના રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા સમાહકર્તાને રજૂઆત કરવામાં આવી

image-188
copy image

ભુજ તાલુકાના મખણાથી વટાછડ, મેડીસર, ઓરીરા, નિરોણા સુધીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે. મખણાથી વટાછડ, મેડીસર, ઓરીરા, નિરોણા સુધીના માર્ગના કામમાં કરોડોના ભ્રષ્ટાચારના આરોપો ઉઠવા પામી રહ્યા છે. રસ્તાના આ કામ માટે બાજુમાં આવેલા ડુંગરો ખોદીને ખનિજ ચોરી કરાઈ રહી છે અને લીલી ઝાડીનો સોથ વાળી દેવાઈ રહ્યો છે. વધુમાં રસ્તાના કામમાં મેટલના બદલે માત્રને માત્ર માટી નખાઈ રહી છે.

આ માર્ગમાં વચ્ચે આવતા પુલિયાના કામમાં પણ સિમેન્ટની ખાલી બોરીઓ અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ રહી છે. રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને ખનિજ ચોરીના આરોપ સાથે સુમરાસર (જત)ના સિધિક આરી જતે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. વધુમાં આ મામલે તટસ્થ તપાસ કરી, જવાબદારો સામે કાર્યવાહી કરવા અને જયાં સુધી તટસ્થ તપાસ કે, કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામના બિલોના ચુકવણા ન કરવા માંગણી કરવામાં આવી છે. આમ છતાં જવાબદારો સામે કોઇ પગલા નહીં ભરાય તો નાછૂટકે અદાલતના દ્વાર ખખડાવાશે તેવી ચિમકી પણ તેમણે આપી છે.