ગાંધીધામ રેલવે મથકે ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલની ચોરી

ગાંધીધામ રેલવેના મુસાફરખાનામાંથી રૂા. 10,000ના ફોનની ચોરી થઇ હતી. વિરમગામના રહેવાસી અને ચણા જોરગરમ વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ફરિયાદી યુવાન પોતાના સગાને મળવા મુંદરા આવ્યો હતો. અહીંથી પરત જવા તા. 21/7ના બપોરે ગાંધીધામ રેલવે મથકે આવ્યો હતો, પણ ટ્રેન સાંજે હોવાથી તે મુસાફરખાનામાં આરામ કરવા પહોંચ્યો હતો. ત્યાં તેણે ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો, પરંતુ થાક એટલો હતો કે ફોનની બેટરી ફુલ થાય તે પહેલાં આ યુવાનની ઊંઘની બેટરી 100 ટકા ચાર્જ થઇ ગઇ હતી. જાગ્યા ત્યારથી સવાર નહીં પણ જાગ્યા ત્યારે ફોન ગાયબ હતો. બાજુમાં 30થી 40 વર્ષના અજાણ્યા શખ્સે પણ પોતાનો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. ફરિયાદી જાગતાં આ લાલ ટીશર્ટવાળો શખ્સ પણ ગાયબ જણાયો હતો. રૂા. 10,000ના ફોનની ચોરી અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.