તાલાળા બેઠક પરથી રાજીનામું આપનાર ભગા બારડને બીજેપીએ આપી ટિકિટ?

કૉંગ્રેસ નેતા ભગા બારડે કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓ રાજીનામું આપીને બુધવારે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ તાલાળા બેઠક પરથી ધારાસભ્ય હતા. ગુરુવારે સવારે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે, ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. જોકે, ગુરુવાર સવારે આઠ વાગ્યા સુધી બીજેપીની અધિકૃત યાદી જાહેર થઈ નથી. એવી માહિતી મળી છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જે ઉમેદવારોને ટિકિટ આપવાની છે તેમને ફોન કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ જ કડીમાં તાલાળાના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને પણ ફોન આવ્યો છે. એટલે કે એક દિવસ પહેલા કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર ભગા બારડને બીજેપીએ ટિકિટ આપી છે.
બે દિવસમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યના રાજીનામા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. બે દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામું આપીને બીજેપીમાં સામેલ થયા છે. બુધવાર રાત્રે દાહોદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી તેમની ટિકિટ કાપી હતી. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી ડૉ. મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે.

આ પણ વાંચો: કેમ રૂપાણી સરકારના 5 મોટા મંત્રીઓ 2022માં ચૂંટણી નહીં લડે?
તલાલાનાં ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો હતો. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.

આ પણ વાંચો: ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપનો નવતર પ્રયોગ
મોહનસિંહ રાઠવાએ ધારણ કર્યો કેસરિયો

આ પહેલા મોહનસિંહ રાઠવાએ કેસરિયા કરી લીધા હતા. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે કોંગ્રેસમાં પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી.
ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપનો નવતર પ્રયોગ

બુધવારે રાત્રે પીએમ મોદીની હાજરીમાં બીજેપીની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને ચાર કલાક સુધી મનોમંથન ચાલ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. એવા અહેવાલ હતા કે બુધવારે રાત્રે જ બીજેપી તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. જોકે, ગુરુવાર સવાર સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. જોકે, આ દરમિયાન ભાજપે એક નવતર પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે બીજેપી ઉમેદવારોના નામને લઈને અંતિમઘડી સુધી સસ્પેન્સ રાખે છે.

જોકે, આ વખતે બીજેપીએ ઉમેદવારોને રાત્રે જ ફોન કરીને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવાની જાણ કરી દીધી હતી. ગુરુવારે સવારે આ તમામ ઉમેદવારોએ પોતાને ફોન આવ્યાની જાણ મીડિયાને કરી હતી. એટલે કે સત્તાવાર યાદી જાહેર થયા પહેલા જ ઉમેદવારોના નામ સામે આવવા લાગ્યા હતા.