ઉનમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઇક ચાલક યુવકનું મોત,બે ઘાયલ

ગુમ થયેલા પિતાને શોધવા નિકળેલા કાકા-ભત્રીજા અને ભાણેજની મોપેડને ટ્રક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત ભાણેજનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે કાકા-ભત્રીજાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. સચીન જીઆઈડીસી ઉન પાટીયા તવક્કલ નગર મધ્યે રહેતા ઉમરઅલી વિલાયત અલી સૈયદ (42)નોકરી કરે છે. બપોરે તેમના પિતા ઘરેથી ગુમ થયા હતા. જેથી ઉમરઅલી તેમના ભાણેજ શબ્બીર જાફરઅલી સૈયદ (32) અને ભત્રીજા મુહમ્મદ હસન શાહીદ અલી સૈયદ (15) સાથે યામાહા મોપેડ ZRM લઈ પિતાને શોધવા માટે નીકળ્યા હતા.

તેઓ ઉન સનાબિલ રોડથી ભેસ્તાન સ્ટેશન તરફ જઇ રહ્યા ત્યારે નવજીવન ડાઈંગ મિલચાર રસ્તા પાસે પુરપાટે પસાર થતા એક ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા મોપેડ ચલાવી રહેલો ભાણેશ શબ્બીર અને ભત્રીજો મોહમદ હસન ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે ઉમરઅલીને કાંડાના ભાગમાં સામાન્ય ઈજા થઈ હતી. જેથી ત્રણેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી શબ્બીર અને મોહમદ હસને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ભાણેજ શબ્બીર સૈયદનું મોત થયું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.