રેલવે કર્મી વતન ગયા ને ચોર ઘરમાંથી રૂ.4.98 લાખની કરી ચોરી

ભરૂચના ચાવજ ગામમાં આવેલાં રચના બંગ્લોઝ મધ્યે રહેતાં રેલવે કર્મી બિહાર તેમના વતને ગયાં હતાં. દરમિયાનમાં તેમના સોસાયટીના ઇસમે તેમને ચોરીની જાણ કરતાં તેઓ ભરૂચ પાછા આવ્યાં હતાં. જ્યાં તેમને માલુમ પડ્યું હતું કે, તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ 4.98 લાખની તસ્કરી કરી ચોર પલાયન થઇ ગયાં હતાં. ઘટનાને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં ચાવજ ગામના રચના બંગ્લોઝ મધ્યે રહેતાં અને રેલવેમાં સિગ્નલ વિભાગમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જોનીકુમાર શ્યામનંદન મુળ બિહારના બગુસરાયના વતની છે. તેમનો પરિવાર અસમના જોરાહાટ મધ્યે રહેતાં હતાં. દરમિયાનમાં છઠ્ઠ પુજા નિમિત્તે તેઓ તેમના વતને ગયાં હતાં. આ દરમિયાન તેમની સોસાયટટીમાં રહેતાં એક ઇસમે તેમને ફોન કરી જાણ કરી હતી કે, તમારા ઘરન દરવાજો ખુલ્લો છે.

જેથી તેમણે વિડિયોકોલ પર ઘરને ચેક કરવાનું કહેતાં તેમણે ઘરમાં જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે બીજુ લોક મારવા કહીં તેમના પુત્રની વાળ કાપવાની બાધા હોવાથી તે પુર્ણ કરી ભરૂચ આવ્યાં હતાં. ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના કુલ 4.98 લાખની મત્તાના દાગીના તસ્કરી થયાં હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.