ધારી અને અમરેલી પંથકના ચાર બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા

અમરેલી જિલ્લામા પોલીસે ચુંટણી પુર્વે જ બુટલેગરોને સાણસામા લીધા છે અને ચાર બુટલેગરોને પાસા હેઠળ જેલમા ધકેલી દેવાયા છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી આ ચાર બુટલેગરો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે ચુંટણી દરમિયાન તટસ્થ અને નિર્ભય રીતે મતદાન થાય તે માટે પાસા અને તડીપાર જેવા પગલા લેવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત અમરેલીના રોકડીયાપરામા રહેતા જીતુ લખુ ખાખડીયા (ઉ.વ.45) ધારીના દલખાણીયામા રહેતા શબ્બીર ઉર્ફે શબુ આમન નાયા (ઉ.વ.37) ધારીના ભરડ ગામમાં રહેતા દિલીપ ઉર્ફે દીપુ ઓઢા સાભાડ (ઉ.વ.26) અને મુળ કરજણના તૌસીફ ઇનાય સિંઘી (ઉ.વ.26) નામના ઇસમો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટે આ પાસાની દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તેમજ તેની ટીમે ચારેયની પાસા હેઠળ અટકાયત કરી હતી. જીતુ ખાખડીયાને સુરતની લાજપોર જેલમા, શબ્બીર નાયાને પાલનપુર જેલમા, દિલીપ સાભાડને અમદાવાદ મધ્યસ્થ જેલ અને તૌસીફ સીંધીને પોરબંદર મધ્યસ્થ જેલમા ધકેલી દેવામાં આવ્યો છે.