BA હિન્દીની સેમ.3ની પરીક્ષામાં સેમ.1ના પ્રશ્નો પૂછાતા હોબાળો: પેપર સેટર, પરીક્ષાના ચેરમેનને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

copy image

કચ્છ યુનિવર્સિટી દ્વારા હાલમાં વિવિધ કોર્ષની સેમેસ્ટર 3 અને 5 ની પરીક્ષાઓ લેવાઈ રહી છે.જેમાં શુક્રવારે બીજા દિવસની કસોટીમાં BA સેમેસ્ટર 3 ની પરીક્ષા હતી. જેથી ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા સહિતના સેન્ટરમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે તેમને પેપર અપાયું ત્યારે તે સેમેસ્ટર 3 ના બદલે સેમેસ્ટર 1 નું હોવાનું સામે આવ્યું હતું.

જેથી વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા અને તાત્કાલિક હોબાળો કરતા કોલેજો દ્વારા યુનિવર્સિટીમાં જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક પેપર લેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી જેમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 ના પ્રશ્નો સાથે હિન્દીનું પેપર દરેક કોલેજોને ઇ-મેઈલ મારફતે મોકલાયું  અને કોલેજોએ પ્રિન્ટ કઢાવી વિદ્યાર્થીઓને આપી જે બાદ પરીક્ષા લેવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીના લીધે કલાક સુધી પરીક્ષા ખોરવાઇ હતી.યુનિવર્સિટી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સજ્જડ સુરક્ષા સાથે પરીક્ષા લેવામાં આવતી હોવાના દાવાની વિદ્યાર્થીઓએ ટીકા કરી ડિજિટલ યુનિવર્સિટી પ્રત્યે પણ ચાબખા વરસાવ્યા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા પરીક્ષાની પૂરક વિગતો એકઠી કરી વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને રૂબરૂ મળી રજુઆત કરાઈ હતી. ભારપૂર્વકની રજૂઆતો બાદ અંતે યુનિવર્સિટી પ્રશાસને આ ગંભીર ઘટનામાં બેદરકારી સબબ પેપર સેટર અને ચેરમેનને ત્રણ વર્ષ માટે પરીક્ષાને લગતી કામગીરી માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.ધાક બેસાડતી કાર્યવાહીને વિદ્યાર્થીગણે બિરદાવી અને ફરી આવી ઘટના ન બને એ માટે નક્કર આયોજન ઘડવા માંગ પણ કરાઈ છે. દરમ્યાન એનએસયુઆઈ તરફથી પણ સવારે મૌખિક રજુઆત કરવામાં આવી હતી.

પેપર બદલાઈ જવાની આ ઘટના પછી બીજું પ્રશ્નપેપર આપવામાં આવ્યું તે હાથેથી લખેલું હતું.યુનિવર્સિટીની કસોટીમાં હાથેથી લખેલું પેપર અપાયું હોય તેવો આ સંભવત પ્રથમ કિસ્સો છે.

બીએમાં સેમેસ્ટર 3 માં હિન્દીની પરીક્ષા હતી.જેમાં કોડ નંબર 305ના પેપરના બદલે સેમેસ્ટર 1 નું 101 નંબરનું પેપર પ્રિન્ટઆઉટ થયું હતું.જેથી તાત્કાલિક કોલેજોમાં સેમ.3 નું પેપર મોકલાયું જેના આધારે 659 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.આ ગંભીર ઘટનામાં પેપર સેટર અને તેના ચેરમેનની સ્પષ્ટપણે ગંભીર બેદરકારી હોવાથી આગામી 3 વર્ષ માટે પરીક્ષા સંબંધિત કામગીરી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે > તેજલ શેઠ, પરીક્ષા નિયામક

રજુઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ પ્રથમ પરીક્ષા નિયામકને મળ્યા ત્યારે આર્ટસ વિભાગના ડીનને છાત્રોની રજુઆત સાંભળવા માટે બોલાવવામાં આવ્યા પણ તેઓ ન આવ્યા, પછી રજિસ્ટ્રાર આવ્યા અને તેઓએ પણ ડીનને બોલાવ્યા છતાં ન આવ્યા જેથી વિદ્યાર્થીઓ કુલપતિ પાસે ગયા ત્યારે તેમણે વિભાગના ડીનને તેંડુ આપ્યું પછી તેઓ આવ્યા પણ છાત્રોની રજુઆતને હળવાશથી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.