ભુજમાં જી.કે. જનરલ સામે નિર્દયી પતિ પત્નીનું કાસળ કાઢી લાશને ફેંકી પલાયન થઈ જતાં ભારે ચકચાર, બે શકદારને LCBએ ઉઠાવ્યા

copy image

ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે ભરબપોરે છકડામાં આવેલી વ્યક્તિ મહિલાની લાશ મૂકીને ફરાર થઈ જતા ભારે ચકચાર પફેલાઈ હતી.જોકે સતર્ક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે. જેથી મર્ડરની આ રહસ્યમય ઘટનામાં બે શકદારોને પૂછપરછ માટે ઉઠાવી લેવામાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર,શુક્રવારે ચાર વાગ્યાના અરસામાં છકડામાં વ્યક્તિ આવ્યો અને 35 થી 40 વર્ષની આ મહિલાની લાશને નીચે ઉતારી જમીન પર ચાદર પાથરીને સુવડાવી હતી. જેથી ત્યાં ઉભેલા વ્યક્તિએ મહિલાને અહીં રાખવા કરતા સામે હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું આ દરમિયાન છકડાવાળો ભાડું લઈને ચાલ્યો ગયો પણ તેની સાથેના વ્યક્તિએ કહ્યું કે મહિલાને ફીટ અને ચક્કરની બીમારી છે જેના લીધે બેભાન થઈ ગઈ છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલમાં લઈ જવા માટે સગા આવી રહ્યા છે તેમ કહી તે મહિલાના પગ ઘસવા લાગ્યો હતો.

જેથી સ્થાનિકોને તેની વાત સાચી લાગી પણ થોડીવારમાં આ વ્યક્તિ ચા પીવા જાઉં છું તેમ કહીને ગયો તે બાદ આવ્યો જ નહીં. જેથી શંકા જતા હોસ્પિટલમાં જાણ કરવામાં આવી ત્યાંથી પોલીસ સ્ટાફના માણસો દોડી આવ્યા,જ્યાં તપાસ દરમિયાન આ મહિલા મૃત હોવાનું સામે આવતા એમ્બ્યુલન્સ બોલાવી લાશને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ મહિલાની લાશને અહીં મૂકી કોણ ગયું તે સવાલ ખૂબ ચર્ચાયો જોકે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી.જેમાં નેત્રમના સીસીટીવી કેમેરા તથા હોસ્પિટલ આજુબાજુના કેમેરાની તપાસ કરી લોકોની પૂછપરછ કરાઈ હતી.

જે પછી આ છકડા ચાલકને લાખોંદ પાટિયા પાસેથી અટકાવી પૂછપરછ કરતા તેણે કોટડા ચકારથી મહિલાને બેસાડી હોવાનું અને તેની સાથેના વ્યક્તિએ મહિલા બેભાન હોવાનું કહ્યું હતું. તેવી કેફિયત આપી હતી. બાદ તપાસમાં કુકમા વિસ્તારમાંથી બે જણને શકદાર તરીકે ઉઠાવી લેવામાં આવ્યા હતા.પોલીસની તપાસમાં આ મામલો કરપીણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

જેમાં મહિલાને પગના ભાગમાં ઇજાઓ પહોચી હતી. હતભાગી કડિયા કામ કરતી હોવાનું પહેરવેશ પરથી સામે આવ્યું હતું.બનાવની જાણ થતા એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા,બી ડિવિઝન પીઆઇ કે.સી વાઘેલા તથા પધ્ધર પીએસઆઈ વનરાજસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફે આરોપીઓને ઝડપવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ ઘટના લખાઈ ત્યારે રાત્રે શકદારોની પૂછપરછ અને ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી હોવાથી વધુ વિગતો મળી શકી નથી.આ અંગે આજે પધ્ધર પોલીસમાં હત્યાનો ગુનો નોંધવામાં આવશે તેવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

સ્થાનિકેથી જાણવા મળ્યું કે,આ મહિલાની સાથે એક વ્યક્તિ હતો જે લાશ મૂકી ગયો પણ તેની સાથે એક નાની બાળકી પણ હતી જેથી એ કોણ હતી ? તેને લઈને લોકોમાં ચર્ચા જાગી છે જેથી તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ બાળકી હતભાગીની જ દીકરી હતી આ માસૂમને ખબર પણ નહીં હોય કે તેના પિતા સાથે તેની માતાની લાશને મુકવામાં આવી છે ! આ ઘટનાએ દિવસભર ચકચાર મચાવી હતી.