ભુજ આવતા એરફોર્સના જવાનની કારનનો અકસ્માત સર્જાતા પતિ, પત્ની, બે બાળકનાં મોત નિપજ્યાં

copy image

રાજસ્થાનના પાલી – સુમેરપુર હાઇવે પર પશુઓને બચાવવા જતા બેકાબૂ બનેલી કાર ડિવાઈડર ક્રોસ કરી ટ્રક સાથે અથડાતાં પતિ,પત્ની અને બે બાળકો સહિત 4 પરિવારજનના મોત થયા હતા. ભુજ એરફોર્સમાં જવાન તરીકે ફરજ બજાવતા ગુલાબસિંહ નેગી અને તેની પત્ની તેમજ દીકરી અને દીકરાનું મૃત્યુ થયું હોવાનું પોલીસમાં નોંધાયું છે.

મળતી માહિતી અનુસાર ,શુક્રવારે સાંજે 5.15 વાગ્યે રાજસ્થાના પાલી-સુમેરપુરના નેશનલ હાઈવે-62 પર ગુરુદ્વારા બીપી પેટ્રોલ પંપની સામે અકસ્માત સર્જાયો હતો. ઢોરને બચાવવા જતા કાર ડિવાઈડર ક્રોસ કરીને ટ્રક સાથે તકકરાઈ ગઈ હતી. જેમાં ભુજ એરફોર્સમાં તૈનાત જવાન ગુલાબસિંહ નેગી, તેની પત્ની અનિતા નેગી, પુત્ર અનિરુદ્ધ અને પુત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે કાર 20 ફૂટ કૂદ્યા બાદ ટ્રક સાથે અથડાઈ હતી. ચારેય મૃતદેહો કારના ક્ષતિગ્રસ્ત ભાગોમાં ફસાયા હતા. મહેનત કરીને તેને બહાર કાઢાયા હતા. મૃતદેહોને સુમેરપુરના શબઘરમાં રખાયા છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા મુજબ, એરફોર્સ કાર્ડના આધારે હતભાગી પરિવારની ઓળખ થઈ હતી.

ગુલાબ સિંહને ભુજ એરફોર્સમાં ટેકનિકલ વિંગમાં પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે ભુજ એરફોર્સે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.પરિવાર બે દિવસ પૂર્વે તેમના ગામથી ભુજ આવવા નીકળ્યો હતો ત્યારે સાંડેરાવ-સુમેરપુર વચ્ચે ગુરુદ્વારા નજીક અચાનક ઢોર રસ્તા પર આવી ગયા. તેને બચાવવા જતા કાર બેકાબૂ થઈ અને આ કરુણ ઘટના બનવા પામી હતી.