આદિપુરમાં મધરાતે 3 વાહન ચોર બાઇકની ચોરી કરવા જતાં ચોરનો માલિકે પીછો કર્યો, તો એરગન બતાવી ડરાવીને પલાયન
 
                
ગાંધીધામ અને આદિપુરમાં સતત વાહન ચોરીને અંજામ આપતી ગેંગ હથિયાર પણ સાથે રાખતી હોવાની રાત્રે બનેલી ઘટનાથી બહાર આવ્યું છે , જેમાં આદિપુરની 64 બજારમાં ઘર પાસે જ પાર્ક કરેલી મોંઘેરી બાઇકનું હેંડલ લોક ત્રણ જણા તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ વાહન માલિક પહોંચતા ત્રણે જણા નંબર પ્લેટ વગરની બાઇક પર ભાગ્યા હતા વાહન માલિકે તેના બનેવી સાથે પીછો કર્યો તો ગન બતાવી જીઆઇડીસી તરફ અદ્રશ્ય થઇ ગયા હતા.
આ અંગે સપનાનગરમાં રહેતા રાહુલ નરેશભાઇ જેઠવાણીએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે આદિપુર ચોસઠ બજારમાં રહેતા તેમના સાસરે ગયા પછી સાળા યશ શિતલ ભાનુશાલી સાથે ફીલ્મ જોવા ગયા હતા. ફીલ્મ જોઇ રાત્રે 1 વાગ્યાના અરસામાં પાછા ઘર પાસે આવ્યા ત્યારે ઘર પાસે બાઇક પર બે શખ્સો બેઠા હતા અને ત્રીજો ઈસમ તેમના સાળા યશની હાર્લિ ડેવીડસન કંપનીની મોંઘેરી બાઇકનું હેન્ડલ લોક તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેઓ આવી જતાં ન઼બર પ્લેટ વિનાની બાઇક પર ત્રણે ભાગ્યા હતા જેમનો બંને સાળા બનેવીએ કારથી પીછો કર્યો હતો.
તેમને પીછો કરતા જોઇ બાઇક પર સવાર એક ઇસમે છ વાળી પાસે એરગન તાકતાં તેઓ પાછા ફર્યા હતા અને બાઇક ચોરી કરવા આવેલા ત્રણ શખ્સો આદિપુર જીઆઇડીસી તરફ અદ્રશ્ય થઇ ગયા હતા. આ અંગે આદિપુર પોલીસ મથકમાં તેમણે ત્રણ 27 થી 32 વર્ષીય લાગતા ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
આ ઘટનાથી ડરી ગયેલા સાળા બનેવીએ ઘરે વાત કરતાં મહેશ સૂટવાલાએ ચેમ્બર ઓફ કોમર્સ , પોતાના ગૃપ મેમ્બર્સ અને લોકોને હથિયાર ધારી બાઇક ચોરો અંગે જાગૃત કરી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું અને સંકુલ આવા લોકોને કારણે અસુરક્ષિત બન્યું હોવાનું જણાવી આ ગેંગને તાત્કાલીક ઝડપી કડક સજા કરાય તેવી માંગણી કરી હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
એક તરફ વિધાનસભાની ચૂ઼ટણી જાહેર થયા પછી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, તો હથિયાર બંધી સહિતના જાહેરનામા પણ બહાર પાડી ચૂકાયા છે અને હાલ ચૂંટણીના માહોલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેતો હોવા છતાં આવી અસમાજિક પ્રવૃતિ કરતા શખ્સો કઇ રીતે આવા એરગન જેવા હથિયાર સાથે પણ ફરી શકે તે સવાલ ઉઠ્યાછે, જરૂર છે કડક જાપ્તા અને કાર્યવાહીની , નહીં તો આવા સમયે સુરક્ષિત ન હોવાનો ડર લોકોને રહે છે તેવી ચર્ચા પણ ઓડિયો ક્લીપ વાયરલ થયા પછી સંભળાઇ હતી.
અત્યારે ચૂ઼ટણીના માહોલમાં ખાસ રાત્રી પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ રાત્રે 64 બજારમાં બાઇક ચોરી કરવાનો પ્રયત્ન કરનાર ત્રણ ઈસમનો વાહન માલીકે કારથી પીછો કર્યો હતો તેઓ 64 બજારથી છ વાળી સુધી ગયા જ્યાં એરગન બતાવતાં તેઓ અંજાર રોડથી પાછા ઘરે 64 બજાર ફર્યા હતા પરંતુ આ વિસ્તારમાં કોઇ પોલીસ પેટ્રોલિંગ ધ્યાનમાં નહીં આવ્યું હોય ?તેવા અનેક સવાલો ઉઠ્યા છે
 
                                         
                                        