કોટડા ચકારના મહિલા હત્યા કેસમાં માતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો

શહેરમાં જી.કે જનરલ હોસ્પિટલની સામે મહિલાની લાશ મૂકી જવાના ચર્ચાસ્પદ કેસમાં પધ્ધર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ આ ગુનામાં આરોપી પતિ તેની દીકરીને લઈને નાસતો ફરે છે જેથી તેની શોધખોળ માટે ટીમો બનાવાઈ છે.ભુજના સરવા મંડપમાં રહેતા અને મૂળ અબડાસાના મોટી સિંધોડીના 55 વર્ષીય બાંયાબાઈ આમદ સુમાર કોલીએ પધ્ધર પોલીસમાં હત્યાનો ગુનો નોંધતા જણાવ્યું કે, તેમની દીકરી વાલબાઈના લગ્ન નલિયા રહેતા મુકેશ કોલી સાથે થયા હતા.ચાર મહિના અગાઉ પતિ મુકેશ જોડે માથાકૂટ થતા વાલબાઈ રીસાઈને પિયરમાં આવી ગઈ હતી.વાલબાઈના પિયર આવ્યા બાદ દોઢ મહિના પછી મુકેશનું અવસાન થઈ ગયું હતું.

આ દરમિયાન, વાલબાઈ જીઆઈડીસી ઝૂંપડપટ્ટીમાં રહેતા મેરામણ કોલીના પરિચયમાં આવી હતી અને તેની સાથે રહેતી હતી. જેની નોંધ પણ બી ડિવિઝન પોલીસમાં કરવામાં આવી હતી.દરમ્યાન દોઢ મહિના પૂર્વે મેરામણ વાલબાઈ સાથે કોટડા ચકાર ગામમાં રહેવા ગયો હતો.મેરામણ અને વાલબાઈ વચ્ચે બોલાચાલી અને તકરાર થતી હતી જે દિવસે ઘટના બની ત્યારે મેરામણ અને તેની માતા રાણબાઈએ વાલબાઈને ઢોર માર માર્યો હતો.

જેના લીધે શરીરે નાની-મોટી આંતરિક અને બાહ્ય ગંભીર ઇજાઓ પહોચતા મોત થયું હતું.જે બાદ લાશને જી.કે.જનરલ હોસ્પિટલની સામે જાહેરમાં રોડ પર મૂકી દઈ આરોપી મેરામણ તેની દીકરીને લઈને પલાયન થઈ ગયો હતો. ઘટના અંગે પધ્ધર પીએસઆઈ જે.ડી.સરવૈયા જણાવ્યું કે,મુખ્ય આરોપી મેરામણ છે જેની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવાઈ છે. મેરામણ ઝડપાયા બાદ ઘટના કેવી રીતે બની અને લાશ જાહેરમાં કેમ ફેંકાઇ તે સહિતના સવાલો પરથી પડદો ઉંથશે.