છેલ્લા દિવસે 72 નામાંકન સાથે 92 મુરતિયા મેદાનમાં

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કચ્છની 6 બેઠકો માટે તા.1-12ના મતદાન થવાનું અને તેને લઇને ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા દિવસે સોમવારે અધધ 72 ફોર્મ ભરાતાં અત્યાર સુધી ડમી ઉમેદવાર સહિત 92 મુરતિયાઓએ ચૂંટણીની જંગમાં ભાગ લીધું છે. આજે મંગળવારે ફોર્મની ચકાસણી અને ગુરૂવારે ઉમેદવારી પરત ખેંચવાની સાથે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

તા.5-11થી ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા પરંતુ જાહેર રજાને બાદ કરતાં પ્રથમ 3 દિવસ દરમ્યાન ઉમેદવારો સુસ્ત રહ્યા હતા અને ત્યારબાદ મુરતિયાઓના દર્શન થયા હતા. તા.14-11, સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસે મુરતિયાઓનો રાફડો ફાટ્યો હતો અને એક જ દિવસમાં 72 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતા. અત્યાર સુધી ભરાયેલા ઉમેદવારીપત્રો પર નજર કરીએ તો સૌથી વધુ ઉમેદવારો ભુજ બેઠક પર 18 અને ઓછા અંજાર બેઠક પર 12 છે. આજે તા.15-11, મંગળવારે ફોર્મની ચકાસણી અને તા.17-11, ગુરૂવારના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સાથે 92 માંથી કેટલા મુરતિયા ચૂંટણી જંગના મેદામાં છે તેનું ચિત્ર ગુરૂવારે બપોરે 3 વાગ્યા પછી સ્પષ્ટ થઇ જશે.

કઇ બેઠક પર કયા ઉમેદવારે નોંધાવી છે દાવેદારી
ભુજ : ભાજપમાંથી કેશવલાલ શિવદાસ પટેલ (કેશુભાઇ), ડો.મુકેશ લીલાધર ચંદે, કોંગ્રેસમાંથી અરજણ દેવજીભાઇ ભુડિયા, સંજય અરજણભાઇ ભુડિયા, આમ આદમી પાર્ટીમાંથી રાજેશ પિંડોરિયા, અલ્પેશ ભુડિયા, રાઇટ ટુ રિકોલ પક્ષના નોડે કાસમ મોહમદ, બહુજન સમાજ પાર્ટીના જુસબશા મામદશા સૈયદ, એલ ઇન્ડિયા મજલીસ-એ-ઉત્તેહાદુલ મુસ્લમીનમાંથી શકીલ સમા, પ્રજા વિજય પક્ષના મેહુલરાજ ભરતસિંહ રાઠોડ, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીમાંથી કૌશલ્યાબેન અમૃતભાઇ ઉપેરિયા અને અપક્ષ ઉમેદવાર તરીકે દક્ષાબેન હરપાલસિંઘ બારોટ, હુસેન મામદ થેબા, ભૂપેન્દ્ર બાબુલાલ જોષી, વસંતભાઇ બોડા, ઓસમાણભાઇ કુંભાર, અમૃતલાલ પટેલ અને વૈશાલી ઇ‌શ્વરગર ગોસ્વામીએ ફોર્મ ભર્યું છે.

ગાંધીધામ (SC) : કોંગ્રેસમાંથી ભરત વેલજીભાઇ સોલંકી, વિનોદ વેલજીભાઇ સોલંકી, ભાજપમાંથી માલતીબેન કિશોર મહેશ્વરી, રામ હીરાલાલ માતંગ, આમ આદમી પાર્ટીના બુધાભાઇ થાવર મહેશ્વરી, હિતેષકુમાર શાંતિલાલ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના કાળુભાઇ ડુંગરભાઇ મૌર્ય, સમાજવાદી પાર્ટીમાંથી લાલજી કારાભાઇ બળિયા, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના અરવિંદ અશોકભાઇ વાઘેલા, સંયુક્ત વિકાસ પાર્ટીના વનીતા ડાયાલાલ મહેશ્વરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે જિજ્ઞાસાબેન મહેશભાઇ સોંદરવા, સમીરભાઇ જુમાભાઇ મહેશ્વરી, ભાણજીભાઇ મ્યાજરભાઇ ડુંગરિયાએ નામાંકનપત્ર ભર્યું છે.

અંજાર : કોંગ્રેસમાંથી રમેશભાઇ સામજીભાઇ ડાંગર, વેલજીભાઇ કાંથડભાઇ હુંબલ, ભાજપના ત્રિકમ બિજલભાઇ છાંગા, ભરત પ્રાણલાલભાઇ શાહ, અામ આદમી પાર્ટીમાંથી અરજણ ચનાભાઇ રબારી, જિતેન્દ્ર નવીનભાઇ ઠક્કર, ગુજરાત સર્વ સમાજ પક્ષના ગની આદમભાઇ કકલ, બહુજન સમાજ પાર્ટીના સુધ્ધા બકુલભાઇ ચાવડા, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી એફ ઇન્ડિયાના રોશનઅલી ઇબ્રાહીમ સંધાણી, અપક્ષ ઉમેદવારોમાં રમેશ જખરાભાઇ કોડેચા, પીયૂષ કિશોરભાઇ પઢિયાર, જિજ્ઞેશ રમણીકલાલ પલણનો સમાવેશ થાય છે.

અબડાસા : કોંગ્રેસમાંથી જત મામદ જુંગ, પ્રેમસિંહ વૃધ્ધાજી સોઢા, તકીશા ઇબ્રાહીમશા પીર, ભાજપના પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા, જયસુખલાલ હરજી ડાયાણી, આમ આદમી પાર્ટીમાંથી વસંત વાલજીભાઇ ખેતાણી, દમયંતીબેન વસંત ખેતાણી, અખિલ ભારતીય રાજ્ય સભાના શાંતિલાલ મુળજીભાઇ સેંઘાણી, બહુજન સમાજ પાર્ટીના નાગશી ખમુ મહેશ્વરી, સમાજવાદી પાર્ટીના જગદીશચંદ્ર કાકુલાલ જોષી, પ્રજા વિજય પક્ષના કરશનજી દાનસંગજી જાડેજા અને અપક્ષ ઉમેદવારો યુશુબશા ઇસ્માઇલશા સૈયદ, નિજામુદ્દીન અલીઅકબરછા પીર, રજાક અલીમામદ ઉઠાર, હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, સુરેશ મનજી મંગે ફોર્મ ભર્યું હતું.

માંડવી : ભાજપમાંથી અનિરૂધ્ધ ભાઇલાલ દવે, વાલજી માણસીભાઇ ટાપરિયા, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, વલ્લભભાઇ શાંતિલાલ વેલાણી, રાષ્ટ્રીય સમાજ પક્ષના દક્ષાબેન હરપાલસિંઘ બારોટ, ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઉત્તેહાદુલ મુસ્લમીનના મહમદઇકબાલ હાજીમામદ માંજલિયા, પ્રજા વિજય પક્ષના વાસંગ લખમીર રબારી, બહુજન સમાજ પાર્ટીમાંથી કિશોર માલશી ધેડા અને અપક્ષ ઉમેદવારોમાં નવીન નરશી માકાણી, રામભાઇ ધનરાજ ગઢવી, ઇમામશા લતીફશા સૈયદ, રમણીક શાંતિલાલ ગરવાનો સમાવેશ થાય છે.

રાપર : ભાજપમાંથી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, કોંગ્રેસના ભચુભાઇ ધરમશી આરેઠિયા, સંતોકબેન આરેઠિયા, બહુજન સમાજ પાર્ટીમાંથી આંબાભાઇ મ્યાજર રાઠોડ, આમ આદમી પાર્ટીના અંબા પરબત પટેલ, નવીનચંદ્ર મનજી જોસરફાળ, સર્વ સમાજ પાર્ટીના મનસુખ વજેરામ મકવાણા, સંયુક્ત વિકાસ પાર્ટીના તેજાભાઇ ગેલાભાઇ વાણિયા, ગુજરાત નવનિર્માણ સેનાના રમેશ પુંજાભાઇ પટ્ટણી અને અપક્ષ ઉમેદવારોમાં સંજયગિરિ રમેશગિરિ ગોસ્વામી, હાસમશા ઉમરશા સૈયદ, કુલદીપસિંહ મગરૂભાઇ વાઘેલા, રાજેશ બાબુભાઇ દુદાસણા, મુસા ઇબ્રાહીમ હિંગોરજાઅે ઉમેદવારી નોંધાવી છે.

હાસ્ય કલાકાર પનુડાની ભુજ બેઠક પર તેમજ ક મહિલા ઉમેદવારની બે બેઠકો પર દાવેદારી
હાસ્ય કલાકાર વસંત મોરારજીભાઇ બોડા ઉર્ફે પનુડો પણ ભુજ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોમવારના તેમણે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું હતું. તો વળી દક્ષાબેન હરપાલસિંઘ બારોટે ભુજ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે અને માંડવી બેઠક પર રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.