અંજારમાં વાહન રાખવા બાબતે મારામારી: બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજારનાં જી.આઇ.ડી.સી.માં હોટેલ આગળ વાહન રાખવા બાબતે બબાલ ઊભી થઈ હતી, જેમાં બે લોકોને ત્યાં જ બેસાડી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે આ વાહનની તલાશી લેતાં તેમાંથી 7 કવાર્ટરિયા, તલવારો, છરી નીકળતાં પોલીસે અલાયદી ફરિયાદ દાખલ કરી હતી. અંજારના નવાનગરમાં રહેનાર અંકુર અંબારામ ખાંડેકા (મારાજ)એ પેથા રબારી તથા બેચર રબારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને તેનો મિત્ર ઇકબાલ’ ગાડી નંબર જી.જે.-27-ડી.એમ.-4807 લઇને ગોપાલ ટી હાઉસ પાસે ચા પીવા ગયા હતા અને આ ગાડી પેથા રબારીની હોટેલ આગળ પાર્ક કરતાં તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી, જેમાં આરોપીએ ફરિયાદીને ધોકો માર્યો હતો અને બાદમાં આ બંનેને ત્યાં બેસાડી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસને આ હોટેલ પાસે માથાકૂટ થતી હોવાની વર્ધી મળતાં પોલીસ અહીં પહોચી આવી હતી. અહીં પેથાભાઇ રબારીએ પોતાને છ ઇસમો મારવા આવ્યા હોવાનું કહ્યું હતું. જે પૈકી બે ઈસમને પકડી રાખ્યાનું જણાવ્યું હતું. પોલીસે અંકુર ખાંડેકા તથા ઇકબાલ અલીમામદ મંસુરીના કબ્જાની કાર નંબર જી.જે.-27- ડી.એમ.- 4807ની તલાશી લેવામાં આવતા તેમાંથી 7 કવાર્ટરિયા દારૂ તેમજ ત્રણ તલવાર અને બે છરી મળી હતી. આ બંને સામે હેડ કોન્સ્ટેબલ સેંધાજી પરમારે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.