અંજારના વરસામેડી-મોડવદર માર્ગ પર પોલીસે એક ગાડીમાંથી રૂા. 8.68 લાખનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો
અંજાર તાલુકાના વરસામેડીથી મોડવદર જતાં માર્ગ ઉપર એક ગાડીમાંથી પોલીસે રૂા. 8,68,500નો અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, પરંતુ વાહનચાલક આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો. અંજારની સ્થાનિક પોલીસ મોડી રાત્રે વરસામેડી ફાટક બાજુ પેટ્રોલિંગ કરી રહી હતી, આ સમય દરમ્યાન શાંતિધામ વરસામેડીથી બોલેરો ગાડીમાં દારૂ ભરીને એક ઈસમ મોડવદર તરફ જતો હોવાની પૂર્વ બાતમી મળતા પોલીસની ટીમ વરસામેડીથી મોડવદર તરફ જતાં માર્ગે જઇ વોચ ગોઠવી હતી. થોડીવાર પછી આ બાતમીવાળી બોલેરો ગાડી નંબર જી.જે. 35-ટી-1134વાળી આવતા પોલીસે તેને દૂરથી ટોર્ચ વડે ઊભા રખાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ ઇસમે દૂરથી પોલીસનું વાહન જોઇ જતાં તેણે પોતાનું વાહન વળાંક પર જ ઊભું રાખી પોતે બાવળોની ઝાડીઓમાં ઘૂસી ગયો પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે હાથે ન હતો. આ વાહનના ઠાઠાની તલાશી લેવામાં આવતા તેમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. આ બોલેરોમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમ.એલ.ની 972, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 750 મી.લી.ની 96 તથા બેલેન્ટાઇન્સ વ્હીસ્કીની 750 એમ.એલ.ની 72 એમ કુલ 1140 બોટલ કિંમત રૂા. 8,68,500નો શરાબનો જથ્થો કબ્જે કરાયો હતો. આ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.