જુણા ગ્રામ પંચાયતનો તલાટી નવ હજારની લાંચ લેતાં ઝડપાયો
ભુજ તાલુકાના જુણા જૂથ ગ્રામ પંચાયતના તલાટી શામરા મોહનભાઈ ગઢવીને ભુજના હમીરસર પાસે લેકવ્યૂ હોટલ નજીક રોકડા રૂા. 9 હજારની લાંચ સ્વીકારતા એસીબી દ્વારા ઝડપી પાડયો હતો. આ અંગે એસીબી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ જુણા જૂથ ગ્રામ પંચાયતના તલાટી શામરા ગઢવીને લાંચ સ્વીકારતા ઝડપી લેવાયો હતો. આ કામના ફરિયાદીએ નવું વીજજોડાણ લેવા માટે જરૂરી દસ્તાવેજો પૈકી આકારણી વેરાનો દાખલો તથા મકાનવેરા પહોંચ મેળવવા માટે તલાટીનો સંપર્ક કરતાં તેમણે આ આકારણી વેરાના દાખલા અને વેરા પહોંચ કાઢી આપવા માટે ફરિયાદી પાસે રૂા. 9000ની લાંચ માંગી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે ફરિયાદના આધારે આજે ગાંધીધામ એસીબી દ્વારા ભુજના હમીરસર પાસે લેકવ્યૂ હોટલ નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂા. 9000 સ્વીકારતા ઝડપી લેવાયો હતો. આ સફળ ટ્રેપ ગાંધીધામ એસીબીના પી.આઈ. વી.એસ. વાઘેલાએ કરી હતી. સુપરવિઝન અધિકારી એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ રહ્યા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી