કંડલામાં ડ્રગ્સની તપાસ જરૂરી મશીનના અભાવે હાલે સ્થગિત

કંડલામાં દુબઇથી આયાત થયેલા સિંધાલુણમાં માદક પદાર્થની શંકાને પગલે પોલીસ તથા ડીઆરઆઇએ તેમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસ પાસે પૂરતા સાધનો ન હોવાથી હાલ તુરંત આ તપાસ અટકાવી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. દુબઇથી આયાત થયેલા ઇરાની રોક સોલ્ટ (સિંધા લુણ)માં માદક પદાર્થ છે કે નહીં તે માટે ડીઆરઆઇએ પૂર્વ કચ્છ પોલીસની મદદ મેળવી હતી. ગઇકાલે ડોગ સ્કવોડ સહિતની ટીમો લઇને કંડલા ગઇ હતી. ગઇકાલે ડોગ સ્કવોડ, એફએસએલ અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, પરંતુ આ સિંધાલુણમાં માદક પદાર્થ છે કે નહીં તે તપાસવા માટેનું મશીન ન હોવાથી પોલીસ અને ડીઆરઆઇ પરત ફરી હતી અને બાદમાં પોલીસે ગાંધીનગરથી મશીન મગાવવાનું નક્કી કર્યું હતું. ત્યાંથી મશીન આવી ગયા બાદ આ તપાસની કાર્યવાહીને આગળ ધપાવવામાં આવશે, પરંતુ હાલ પૂરતી આ કાર્યવાહી સ્થગિત રખાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ