મીઠી રોહરમાં 10.31 લાખનો પેટ્રોલિયમ પદાર્થ જપ્ત
ગાંધીધામ તાલુકાના મીઠી રોહરની સીમમાં ઉષા પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલી એક દુકાન તથા એક ટેન્કરમાંથી પોલીસે રૂા. 10,31,250ના 18,750 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. શહેરની એ-ડિવિઝનની પોલીસ ગઈકાલે સમી સાંજે પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન મીઠી રોહરની સીમમાં ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગની ડાબી બાજુએ ઉષા પેટ્રોલ પમ્પની પાસે દુકાન નંબર 10માં તથા તેની સામે ઊભેલાં ટેન્કરમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ વેચાતો હોવાની પૂર્વબાતમી આ ટીમને મળી હતી, જેના આધારે આ ટીમ બનાવવાળી જગ્યાએ ધસી ગઈ હતી. અહીંથી જે.પી. ટ્રાન્સપોર્ટમાં કામ કરતા તથા ટેન્કર નંબર જી.જે.-12-એટી-8429ના ચાલક રામ આશરે સત્યનારાયણ યાદવ તથા ભરત લાલા ચૌધરી, સમદરસિંઘ નરપતસિંઘ રાજપૂત અને સુશિલ દેવીલાલ ગોયલને પોલીસે પકડી પાડયા હતા. અહીં ઊભેલાં ટેન્કર થકી અન્ય વાહનોમાં પેટ્રોલિયમ પદાર્થ?ભરી આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઊભેલા આ ટેન્કરમાંથી 10,350 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ પોલીસીને મળી આવ્યો હતો.બાદમાં સામે આવેલી દુકાન નંબર 10ની તલાશી લેવામાં આવી હતી. જેમાંથી 200 લિટરની ક્ષમતાવાળા 42 કેરબા પણ મળી આવ્યા હતા, જેમાંથી 8400 શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળ્યો હતો. આ બંને જગ્યાએથી મળેલ 18,750 લિટર પદાર્થની કિંમત રૂા. 10,31,250 આંકવામાં આવી હતી. પકડાયેલા શખ્સો પાસેથી આ માલના આધાર પુરાવા મગાતાં તે આપી શકયા નહોતા. સરકારના ધારાધોરણ મુજબના‘ કોઈ પણ પરવાના વગર, ના વાંધા પ્રમાણપત્ર ન મેળવી, આ જ્વલનશીલ પદાર્થનો કોઈ પણ‘ સુરક્ષાના સાધનો વગર સંગ્રહ કરી, માનવજીવન જોખમાય, તેમની તંદુરસ્તીને નુકસાન થાય, હવા દૂષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી આવશ્યક કરતાં વધુ જથ્થાનો સંગ્રહ કરનારા આ ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. જ્વલનશીલ અને શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો આવડી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી આવ્યો ? કોનાથી લેવામાં આવ્યો, તેમની આ ટોળકીમાં અન્ય કોણ કોણ સામેલ છે તે સહિતની વિગતો હજુ સુધી બહાર આવી નહોતી. જે અંગેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પેટ્રોલિયમ પદાર્થ, ટેન્કર, કેરબા, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા. 20,36,250નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ