ભીડનો લાભ ચોરે ઉઠાવ્યો: ભુજમાં બસમાં ચડવા જતાં પેસેંજરના 1,54,000 ચોરાયા
ભુજમાં ભીડનો લાભ ચોરે ઉઠાવી મુફાસરના ખિસ્સામાં રહેલા 1,54,000 સેરવી લીધા હોવાની ફરિયાદ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદી રવિન્દ્રસિંગ જશવીંદરસિંગ શીખે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું તેઓ ટિબેટીયન બજારમાં સ્વેટર અને જાકીટ તથા ગરમ કપડાનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેઓ જ્યુબેલી સર્કલની બાજુમાં આવેલ ટિબેટીયન સ્વેટર બજારમાં અગાઉ કપડાં વેચાણ અર્થે આપેલ હોઈ બાકી રહેલ 1,54,000ની ઉઘરાણી કરી ફરિયાદીએ બલજિન્દ્રસિંગને રાખવા માટે આપ્યા હતા. ત્યારબાદ તેઓને જામનગર જાવાનું હોવાથી તેઓ બસની રાહ જોઈ રહ્યા હતા. સવારે 11.45 વાગ્યાના અરસામાં જ્યુબિલી સર્કલ પાસે ભગવતી પાન સેન્ટરની બાજુમાં તેઓ તેમજ તેના મિત્ર જામનગર જતી એસ.ટી. બસમાં ચડવા જતા હતા તે સમયે ત્યાં ભારે ભીડ હતી. આ ભીડનો લાભ ચોરે ઉઠાવી બલજિન્દ્રસિંગના ખિસ્સામાં રહેલ 1,54,000 સેરવી લીધા હતા. પોલીસે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.