જાંબુડીમાં ઉછીના રૂપિયા મામલે બે પાડોશી પરિવાર વચ્ચે બબાલ

ભુજ તાલુકાનાં જાંબુડી ગામે ઉછીના રૂપિયા મામલે બે પાડોશી વચ્ચે ધોકા સળિયાથી મારામારી થતાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

આ અંગે અરજણભાઇ પુનાભાઇ મારવાડાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમના નાના ભાઈ ઈશ્વર હયાત હતા તે સમયે પાડોશી અકબર મામદ મિઢાના મોટાભાઇ રમજુને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. ઈશ્વરભાઈના પત્ની લક્ષ્મીબેને ફરિયાદીને વાત કરતાં જણાવ્યુ હતું કે, અવારનવાર કહેવા છતાં પણ રૂપિયા પરત આપતા નથી. આથી ફરિયાદીએ આ અંગે અકબરને કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપી ફરિયાદીને લાકડી વડે માથાના ભાગે માર માર્યો હતો તેમજ આરોપીના પત્નીએ પણ ધોકા વડે માર્યો હતો. ફરિયાદીના પરિવારજનો આવી જતાં તેમને પણ મૂઢમાર ઇજાઓ પહોચાડી હતી. ફરિયાદીએ આરોપી અકબર ઉપરાંત તેની પત્ની તથા માતા તેમજ પુત્રો અખ્તર અને આકીબ વિરુદ્ધ મારામારી, મહાવ્યથા, એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવતાં અકબર મિઢાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, સવારે આઠેક વાગ્યાના અરસામાં તેમના પાડોશમાં રહેતા અરજણભાઇ આવેલ અને કહેવા લાગ્યા હતા કે, તારો ભાઈ રમજુ ક્યાં છે તે રૂપિયા કેમ પાછા આપતો નથી. તેવું કહી ગાળા કરવા લાગેલ તે દરમિયાન ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ સળિયા અને લાકડીઓ વડે મારમારવા લાગ્યો હતો. ફરિયાદીએ આરોપીઓ અરજણ મારવાડા, તેના પુત્ર કાનજી, મનીષ અને અરજણની પત્ની તથા દીકરી તેમજ ઇશ્વરની દીકરી વિરુદ્ધ નોંધાવી છે.આ ઘટનામાં બંને પરિવારના સભ્યોને મૂઢમાર જેવી ઇજાઓ પહોચી હતી. પધ્ધર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.