જામનગરમાં નજીવી બાબતે બબાલ: યુવકને માર-મરાતા ફરિયાદ નોંધાઈ
જામનગર સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મહેશભાઈ પરમાનંદભાઈ ગોપલાણી સિંધીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ સ્ટ્રોબેરી વેચતો મોહમ્મદ હુસેન અબ્દુલ સફર ઘણી વાલા તથા તેની બાજુમાં ટોપી વહેચતો યુસુફ હુસેન મહેતાજીવાળા પાસે ટોપી લેવા માટે ગયેલ હતો. ફરિયાદીનો ટોપી તથા સ્ટ્રોબેરીમાં ભાવતાલ બાબતે રેકડીવાળા સાથે બોલાચાલી થતાં તેઓ ફરિયાદીને ગાળો આપવા લાગ્યા જેથી ફરિયાદી જતો રહ્યો હતો. ત્યારબાદ ફરિયાદી પોતાની દુકાન પાસે ઊભા હતા તે દરમિયાન સવા બે વાગ્યાના અરસામાં સ્ટ્રોબેરીની રેકડીવાળો મોહમ્મદ હુસેન રેકડી લઈને આવેલ અને બોલાચાલી કરવા લાગ્યો હતો થોડીવારમાં યુસુફ તથા એક બીજો શખ્સ આવેલ અને ઝગડો કરી ફરિયાદીને માર-મારવા લાગ્યા હતા. તે દરમિયાન લોકો એકત્ર થઈ જતાં તેઓ ત્યાથી ચાલ્યા ગયા હતા અને જતાં જતાં ધમકી આપી હતી કે, હવે રેકડી પાસે આવીશ તો જાનથી મારી નાખીશ. ફરિયાદીને ઇજાઓ પહોચતા સારવાર અર્થે જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીને ડાબા કાનમાં છ ટાંકા અને હોઠ પર એક ટાંકો તથા શરીરે મૂઢ ઇજાઓ થઈ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.