મુંદરામાં નદીપટનાં દબાણો પર ફર્યું બુલડોઝર
મુંદરામાં નદીપટનાં દબાણો પર ફર્યું બુલડોઝર મુંદરા , અહીં નગરની અંદર તથા બહાર બેકાબૂ બનેલી દબાણ પ્રવૃત્તિને લઇને ઉપસ્થિત થતા ટ્રાફિક તથા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે આજે બપોરે નગરપાલિકા તથા પોલીસ સ્ટાફે નદીપટમાં થયેલા 100 થી વધુ અતિક્રમણોને તોડી પાડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી . આ દબાણો પુન : સ્થાપિત ન થાય તે જોવા તંત્ર સતર્ક રહે તેવી લોકો આશા સેવી રહ્યા છે . અગાઉ પાલિકાએ ચોમાસામાં આ નદીનું વહેણ અવરોધતાં દબાણો હટાવ્યા હતા , પરંતુ તે પુન : ખડકાઇ ગયા હતા . 100 થી વધુ દબાણકારોએ કાચી – પાકી દુકાનો , કેબિનો ગોઠવી દઇને ધંધો શરૂ કર્યો હતો . શહેર પી . આઇ . હાર્દિક ત્રિવેદીએ કહ્યું હતું કે , આ પૈકી કેટલાક ધંધાર્થી ખોટી પ્રવૃત્તિ કરતા હતા જેથી કોમી એકતા સુદ્ધાં જોખમમાં મુકાતી હતી . નદીપટમાં થયેલા દબાણોને લઇને અસામાજિક પ્રવૃત્તિ પણ વધી હતી . ગઇકાલે જ છરીથી હુમલાનો અને હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો . નગરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં આવી ઘટનાઓ કોઇ કાળે સાંખી લેવાશે નહીં તેવું પી . આઇ . એ ઉમેર્યું હતું . આજે પી . આઇ . ના નેતૃત્વમાં આવેલી પોલીસ ટીમની હાજરીમાં દબાણો ઉપર બુલડોઝર ફરી વળતાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું . પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર તથા કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીરે જણાવ્યું હતું કે , એક તરફ નગરમાં ટ્રાફિક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તેને નડતરરૂપ દબાણો દૂર કરવા જરૂરી છે . નગરના જવાહર ચોકમાં ઊભા રહેતા શાકભાજી તથા ખાણી – પીણીના લારી – ગલ્લાઓને આવનારા સમયમાં તેમની મૂળ જગ્યાએ આઝાદ ચોકમાં ખસેડવામાં આવશે . દરમ્યાન બુદ્ધિજીવીઓના કહેવા મુજબ નગરની સાંકડી બજાર અને તેમાં વેપારીઓ દ્વારા થતા દબાણો , દુકાન આગળ ફેરિયાઓને બેસાડી તેમની પાસેથી ભાડાં ઉઘરાવવા જેવી પ્રવૃત્તિ રોકવી જરૂરી છે. હટાવાયેલા દબાણો પાછાં ન ગોઠવાઇ જાય તેની તકેદારી તંત્રે દાખવવી પડશે તેવું લોકો જણાવી રહ્યા છે . આજની આ દબાણ હટાવ કામગીરીમાં પ્રકાશ પાટીદાર , પ્રકાશ ઠક્કર સહિતના અગ્રણીઓ જોડાયા હતા .