ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીધામમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીધામ શહેરમાં જુની સુંદરપુરી વિસ્તારમાં શંકર મહાદેવના મંદિર પાછળ ધોબીઘાટ વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ તથા સમીર નરેશભાઈ સથવારા બંને મળી પ્રકાશ ઉર્ફે પકાડા માતંગની કબ્જા ભોગવટાની ઓરડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા 3 શખ્સો મોપેડ પાસે ઉભેલા નજરે પડ્યા હતા. પોલીસે ગુલફામ શેખ હાતીમ શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ તેમજ મિલન પાતારિયા નામના શખ્સો એક મોપેડ લઇને ગલીમાં નાસી છૂટયા હતા.પોલીસે ઝડપેલા શખ્સના એક્ટિવામાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની 14 બોટલો મળી આવી હતી. પોલીસે આ અંગે આરોપીની પૂછપરછ કરતાં પોતે છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ તથા તેનો પાર્ટનર સમીર નરેશભાઈ સથવારા પાસે વેચવાની નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતું. આ શખ્સની વધુ પૂછપરછ કરાતાં પકાડાના કબજા ભોગવટાની ઓરડીનાં પતરાં ઉપર વધુ માલ રખાયો હોવાનું જણાવતાં આ ટીમે ત્યાં તપાસ કરી હતી અને અહીંથી મેકડોવેલ્સ નંબર-1ની 8, ઓલ સિઝન્સ ગોલ્ડન કલેકશનની 12, રોયલ સ્ટેગની 19 તથા કિંગફિશરના 47 ટીન એમ બંને જગ્યાએથી રૂા. 22,700નો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે ગુલફામ હાતીમ શેખ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ.100 કિ.રૂ.22,700, એક એક્ટિવા કિ.રૂ. 30,000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.5,000 તથા રોકડા રૂપિયા 460 મળી કુલ કિ.રૂ. 58,160નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.