પૂર્વ કચ્છના પોલીસ કોન્સ્ટેબલ પર તેની જ પત્ની દ્વારા આરોપ; પતિએ છુટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતાં આખરે ફરિયાદ નોંધાઈ
આદિપુર મહિલા પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ સામે જ ફરિયાદ નોંધાઈ છે. જ્યાં પતિએ છુટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતાં આખરે મહિલાએ ગુન્હો નોંધાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આદિપુર મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ પતિ હેતુભા ગોળજી ભાટી હાલે મેઘપર-બોરેચીમાં રહે છે. વર્ષ 2003માં અમારા લગ્ન થયા હતા, ત્યારે નોકરી પશ્ચિમ કચ્છમાં હતી. એ દરમિયાન અમે વાયોર પોલીસ લાઈનમાં રહેતા હતા. ત્યારે મારા પતિ પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા હતા અને અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં ગાંધીધામ રહેવા ગયા એ દરમિયાન પણ સ્રી સાથે સંબંધ રાખતા હતા અને ફરિયાદી કંઈ કહે તો મારકૂટ કરી છૂટાછેડા આપવાની ધમકી દેતા હતા. તેમજ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજી પરીણિત મહિલાને ઘરમાં બેસાડી દઈ પ્રથમ પત્ની અને સંતાનોને ઘરમાંથી કાઢી મુકતા તેઓ સાસરિયા રવ ગામે રહેવા ગયા હતા અને છેલ્લા 11 વર્ષથી રવમાં રહે છે. અગાઉ મહિલાએ પોલીસમાં અરજી આપતા પોલીસ દ્વારા કાઉન્સિલિંગ કરાયું, પણ પતિના વર્તનમાં કોઈ ફેરફાર ન થતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.