યક્ષ પાસે ત્રણ ટ્રેઇલરમાંથી ડ્રાઇવર સહિત ચારને ડીઝલ ચોરી કરતા પોલીસે રંગેહાથ ઝડપ્યા

નખત્રાણા પાસે યક્ષથી ભુજ તરફ જતા મહાકાલી પેટ્રોલપંપ પાસે મધ્ય રાત્રિના ત્રણ ટ્રેઇલરમાંથી તેના ત્રણે ચાલક તથા એક સાગરીત ડીઝલ ચોરી કરતા પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા. આ અંગે નખત્રાણા પોલીસ મથકે પરિશ્રમ ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર ઇકબાલ જતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ત્રણ ટ્રેઇલરના ચાલક પ્રફુલ્લ શિવજી સીજુ (કોટડા જ.), સિકંદર લતીફ કુંભાર (નખત્રાણા), ઇકબાલ જાનમામદ ડાડા બાફણ (નાગિયારી, તા. ભુજ) આર્ચિયન કંપનીમાંથી મીઠું ભરીને જતા હતા ત્યારે ગઇકાલે રાત્રે યક્ષ પાસેના પેટ્રોલપંપ નજીક આ ત્રણ ડ્રાઇવર તથા અન્ય સાગરીત સાંગા પતા રબારી (રહે. લક્ષ્મીપર) ટ્રેઇલરોમાંથી ડીઝલ ચોરી કરી રહ્યા હતા, ત્યારે પોલીસે દરોડો પાડી ચારેયને રંગેહાથ ઝડપી લીધા હતા. ગાડીમાંથી ચોરેલા 20 લિટર ડીઝલના કેરબા તથા નળી સહિતના આધાર-પુરાવા જગ્યાએથી મળ્યા હતા. ચારે વિરુદ્ધ ડીઝલ ચોરી અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરી નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે ઠુમર અને સ્ટાફ દ્વારા કરાઈ