ગાંધીધામમાં બે પરપ્રાંતીય બોગસ તબીબની એ ડિવિઝન પોલીસે દવા કરી

ગાંધીધામ શહેરની ભાગોળે ભચાઉ બાજુ જતા સર્વિસ રોડ નજીક એક હોટેલની પાછળ બે ક્લિનિકમાંથી પાલીસે બે બોગસ ડોકટરને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રૂા. 6200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ગાંધીધામથી ભચાઉ તરફ જતા સર્વિસ રોડની બાજુમાં સોઢા ટી સ્ટોલની પાછળ નૂર ક્લિનિક અને લક્ષ્મી દવાખાનામાં બે બોગસ ડોકટર લોકોની સારવાર કરતા હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. લક્ષ્મી દવાખાનું ચલાવતા પ્રદીપ કુમાર પુર ર્માશી મોર્ય નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. કોઇ પણ જાતની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ શખ્સની દુકાનમાંથી જુદા જુદા દર્દ મીટાવવાના ટીકડી, જેલ, સિરપ તથા સ્ટેથોસ્કોપ, રક્તચાપ માપવાનું મીટર, થર્મોમીટર, રોકડ રકમ મળીને કુલ્લ રૂા. 3200નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.આ દુકાનની બાજુમાં જ આવેલી નૂર ક્લિનિકમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી ડિગ્રી વગરના ડો. શરીફુલ સરાબઅલી ઇસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. આ દુકાનમાંથી જુદા જુદા દર્દ મીટાવવાની ટીકડી, થર્મોમીટર, રક્તચાપ માપવાનું મશીન, સ્ટેથોસ્કોપ રોકડ રકમ વગેરે મળીને મેડિકલને લગતો રૂા. 3000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ધો. 9 પાસ આ શખ્સ છેલ્લા છ મહિનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. જ્યારે પ્રદીપકુમાર નામનો શખ્સ ધો. 12 પાસ હોવાનું અને છેલ્લા એકાદ વર્ષથી લોકોની દવા’ ‘કરતો હોવાનું એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.