પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, કિડાણા મધ્યે કરણજીનગરમાં રહેતા કાના અમરાભાઈ ભરવાડ પોતાના કબજાની ભોગવટાની ઓરડીઓમાં માણસો રાખી દારૂનું વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે જય શક્તિ ફ્લોર મિલ વાડી દુકાન પાછળ આવેલ ઓરડીમાં તપાસ કરતાં મનોહરસિંહ પ્રેમસિંગ ભાટી તથા દિનેશ બાબુલાલ સેન હાજર મળી આવ્યા હતા. પોલીસે બંને ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 99 બોટલ તેમજ અલગ અલગ બ્રાન્ડની દારૂની 43 બોટલો ખાલી મળી આવી હતી. પોલીસે ખાલી બોટલો અંગે આરોપીઓને પૂછપરછ કરતાં , તેઓ કાનાભાઈ ભરવાડ મેકડોવેલ્સ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ તથા બીજી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો આપી જતાં હતા અને આરોપીઓ તેમાં દારૂ ભરી ફરીથી કાનાભાઈ ભરવાડને ભરેલી બોટલો પરત આપતા અને બંને કાનાભાઈ ભરવાડના માણસો હોવાની કેફિયત આપી હતી. તેમજ આ જથ્થો પણ કાનાભાઈ આપી ગયા હોવાનું જણાવ્યુ હતું. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો કિ.રૂ.95,530, 2 મોબાઈલ ફોન કિ.રૂ.5,500 મળી કુલ કિ.રૂ.1,01030નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.