અંતરજાળમાં ઉછીના રૂપિયા બાબતે 6 શખ્સોએ મંડળી રચી યુવકને માર-માર્યો

આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વિશાલભાઈ રાજેશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમણે પોતાની સાથે નોકરી કરતાં સુખદેવસિંહ સોઢા પાસેથી વીસ હજાર રૂપિયા ઉછીના લીધેલ હતા. જે પૈકીનાં 17 હજાર રૂપિયા ફરિયાએ આરોપીને પરત આપી દીધેલ હતા જ્યારે ત્રણ હાજર આપવાના બાકી રહેલ છે. ફરિયાદી રાત્રે ઘરે પહોચ્યા તે સમયે અંબાજી સોસાયટી શિણાય ખાતે રહેતો દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ફરિયાદીના ઘર પાસે ઊભો હતો. અને તે ફરિયાદીને કહેવા લાગ્યો કે તું સુખદેવસિંહના રૂપિયા ક્યારે આપીશ. જેથી ફરિયાદીએ આરોપી દિવ્યરાજસિંહને જણાવ્યુ કે 3 હજાર બાકી છે જે હું આપી દઈશ. તેવું કહેતા આરોપી દિવ્યરાજસિંહ ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા આરોપીએ ફરિયાદીને ગાલ પર બે થપ્પડ મારી દીધેલ તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતાં ફરિયાદીના મમ્મી પુષ્પાબેન બહાર આવતા આરોપી તેમને પણ જેમતેમ બોલવા લાગ્યો હતો. આરોપીએ વધુ માં કહ્યું હતું કે, રૂપિયા અત્યારે જ જોઈએ નહિતર જોવા જેવી થશે અહી ઊભો રે હું બધાને લઈને આવું છુ એવું કહી ચાલ્યો ગયો હતો. થોડી વારમાં આરોપી દિવ્યરાજસિંહ પોતાના પિતા જયેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરસિંહ તથા રાજવીરસિંહ તથા રવિ જાડેજા તથા સુનિલ રાઠોડ તથા બે અજાણ્યા ઇસમો સાથે આવેલ અને બધા સાથે મળી માર-મારવા લાગ્યા હતા. દિવ્યરાજસિંહ જાડેજાએ હાથમાં રહેલ ધારિયું ફરિયાદીના ફઈના દીકરા કુલદીપસિંહને કપાળના ભાગે તથા જયેન્દ્રસિંહ તથા કિશોરસિંહે લાકડી વડે ફરિયાદીને તથા ફરિયાદીના ફઈના દીકરા જોગેન્દ્રને તથા ફઈ હસુમતીબેનને માર મારી ઇજાઓ પહોચાડી હતી. તેમજ બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીના માતા પુષ્પાબેનને માર મારી મૂઢ ઈજાઓ પહોચાડી હતી. તે દરમિયાન આસપાસના લોકો આવી જતાં તેમણે વધુ મારથી છોડાવ્યા હતા. આરોપી દિવ્યરાજસિંહ તથા જ્યેન્દ્રસિંહ જતાં-જતાં ધમકી આપી હતી કે, આ રૂપિયા આપી દે જો નહિતર તમને જીવવા નહિ દઈએ. ફરિયાદીના તમામ સભ્યોને ઇજાઓ પહોચતા રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે આદિપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.