માંડવીના મોટી ભાડઈમાં પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીનું ગળું દબાવી મોત નિપજાવ્યું
માંડવીના મોટી ભાડઈની સીમમાં વાડીમાં મજૂરી કામ કરતાં યુવકે ઉશ્કેરાઈ જઈ પત્નીનું ઢીમ ઢાળી દેતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર આ ઘટના તા.7-3ના રાત્રી દરમિયાન બની હતી. મોટી ભાડઈની વાડીમાં સંજય અને ગીતા બંને પતિ-પત્ની મજૂરી કામ કરતાં હતા. તા.7-3ના રાત્રે આઠેક વાગ્યાના અરસામાં સંજયની પત્ની ગીતા વાડીના ડેલામાં હાજર ન મળી આવતા સંજયે વાડીમાં તપાસ કરતાં તે વાડીની બહાર જતાં રસ્તા પર જતી નજરે પડી હતી. જેથી સંજય તેની પાછળ જઈ તેને અટકાવી અને કહેલ કે તું ક્યાં જાય છે. ત્યારે સંજયની પત્ની ગીતાએ તેના પતિ સંજયને જણાવેલ કે મારે તારી પાસે રહેવું નથી મારા માતા પિતા પાસે જવું છે તો તમે મને મૂકવા આવો. આ સાંભડી સંજયને ગુસ્સામાં આવી જતા તેને પોતાની પત્ની ગીતાને થપ્પડ મારી હતી. આ બાબતે બંને વચ્ચે ઝગડો થતાં સંજયે ઉશ્કેરાઈ જઈ પોતાની પત્નીનું ગળું બે હાથો વડે જોર થી દબાવી તેનું ઢીમ ઢાળી દીધું હતું. ગઢશીશા પોલીસે આરોપી સંજય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.