આદિપુરમાં આખલાની હડફેટે ચડતાં વાહનચાલક યુવાનનું મોત

ગાંધીધામ સંકુલમાં અગાઉ અનેક વખત આખલાની હડફેટે ચડતાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે, ત્યારે ગત સવારે આદિપુરમાં ટાગોર રોડ ઉપર આખલાની હડફેટે ચડતાં જિજ્ઞેશ જિતેન્દ્ર દોશી (ઉ.વ. 48)ને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ બનાવને કારણે ભારે અરેરાટી પ્રસરી હતી. અંતરજાળની રાધે રેસિડેન્સીમાં રહેતા અને ત્રણ સંતાનના પિતા એવા જિજ્ઞેશ દોશીનું ગત સવારે મોત થયું હતું. આ યુવાન  સવારે પોતાની નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે ટાગોર રોડ ઉપર પંચમુખી હનુમાન મંદિરની સામે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાન બુલેટથી જઇ રહ્યા હતા, ત્યારે અચાનક આખલો આવતાં યુવાનનું વાહન આ પશુ સાથે અથડાયું હતું, જેમાં આ વાહન-ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.