કચ્છની ભાગોળે હરિપર પાસે ટ્રેલર, ટેન્કર અને એસટી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત, એકનું મોત; એક ઘાયલ.       

ec4a1742-adfa-43ca-a316-3a675953d0bf

કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી બ્રિજ તરફના માળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર ઓનેસ્ટ હોટલ સામે ગત સાંજે ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે માળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,. બનાવના પગલે બન્ને તરફના માર્ગે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે હાઇવે પેટ્રોલિંગ અને માળિયા પોકિસના પ્રયાસોથી  ધીમી ગતિ સાથે બન્ને તરફના માર્ગે સિંગલ લાઇન પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો ,જોકે તેમ છતાં અંદાજિત 5 કિલોમીટર સુધી બન્ને બાજુ ટ્રાફિકજામ જોવા મળી રહ્યાનું સામે આવ્યું.                            

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત બપોરે 4.30ના અરસામાં કચ્છથી મોરબી તરફ લોખંડની ગ્રીલ ભરીને જતું ટ્રેલર અચાનક બેકાબુ બની વચ્ચેનું ડિવાઈડર કૂદીને સામેના માર્ગે ચડી ગયું હતું. આ દરમ્યાન સામેથી આવતા સિમેન્ટના વપરાશ માટેના ટેન્કરમાં જોરદાર ટક્કર થતા ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો ટેન્કરની બાજુની લાઈનમાં આવતી ફતેહપુર અંજાર રૂટની એસટી બસનો આગળનો કાંચ તૂટી ગયો હતો. સદભાગ્યે સવાર મુસાફરોને કોઈજ ઇજા પહોંચી ના હતી. આ અંગે માળિયા પોલીસે પ્રાથમિક ધોરણે નોંધ કરી અજાણ્યા મૃતકનું નામ શોધવા સહિતની તપાસ હાથ ધરી , સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ટીમના મહેશ મકવાણાએ જણાવ્યું હતું.